Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો :જેજે હોસ્પિટલમાં 61 રેસિડેન્ટ ડૉક્ટર્સ કોરોના પોઝીટીવ મળતા ખળભળાટ

શહેરમાં પહેલેથી જ નિવાસી ડોકટરોની અછત છે, એમાં આ નવી સમસ્યા ઉભી થઈ હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી શકે

મુંબઈ :કોરોનાનો રાફડો ફાટી નિકળ્યો હોય તેમ લાગી રહ્યું છે. નેતાઓ, અભિનેતાઓ સહિત સરકારી અધિકારીઓ સુધીના લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. એવામાં મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સે માહિતી આપી હતી કે જેજે હોસ્પિટલમાં 61 રેસિડેન્ટ ડૉક્ટર્સ કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યા છે.

એક તો શહેરમાં પહેલેથી જ નિવાસી ડોકટરોની અછત છે, એમાં આ નવી સમસ્યા ઉભી થઈ હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી શકે છે. જો કે કેટલાક કોરોનાને કારણે સેવા આપી શકે તેમ નથી

આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં કેસો સતત વધતા જતા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) ના 100 થી વધુ આરોગ્ય કર્મચારીઓએ ગયા અઠવાડિયે કોવિડ -19 માટે પરિક્ષણ કરાવ્યું હતું.
 
નોંધનીય છે કે જેજે હોસ્પિટલ એ ત્રણ હોસ્પિટલોમાંની હતી જેના નિવાસી ડોકટરોએ NEET-PG કાઉન્સેલિંગમાં વિલંબના વિરોધમાં OPD સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.

જો કે, NEET-PG કાઉન્સેલિંગમાં વિલંબ અને અન્ય મુદ્દાઓને કારણે હડતાળ પર ઉતરેલા મહારાષ્ટ્રના નિવાસી ડોકટરોએ મંગળવારે તેમનો વિરોધ પાછો ખેંચી લીધો છે.

મુંબઈમાં કોવિડ -19 ચેપની સંખ્યા મંગળવારે 10,000 ને પાર કરી ગઈ, 24 કલાકમાં 35 ટકાનો વધારો નોંધાયો. દૈનિક પરીક્ષણોની સંખ્યા લગભગ સમાન રહી હોવા છતાં પણ કેસ સતત વધી રહ્યા છે. 49,661 નમૂનાઓમાંથી 10,860 પોઝિટિવ આવ્યા બાદ ટેસ્ટ પોઝીટીવીટી રેટ (ટીપીઆર) વધીને 22 ટકા થયો હતો.

(8:44 pm IST)