Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

બુલ્લીબાઈ એપ કેસની આરોપી યુવતી ૧૮ વર્ષની

માસ્ટર માઈન્ડ યુવતીના સાગરિતની ઉંમર પણ માત્ર ૨૧ વર્ષ છે, પોલીસ બન્નેને લઈને મુંબઈ જવા રવાના : મુસ્લિમ મહિલાઓ સામે ષડયંત્ર રચ્યું હતું

નવી દિલ્હી, તા.૫: સોશિયલ મીડિયા પર એક્ટિવ ૧૦૦ મુસ્લિમ મહિલાઓ વિરૂદ્ધ ષડયંત્ર રચનારી આરોપી યુવતી ઉત્તરાખંડની રહેવાસી છે અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને કસ્ટડીમાં લઈને મુંબઈ જઈ રહી છે. આરોપી યુવતીએ પોતાના સાથી વિશાલ કુમાર સાથે મળીને સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. આરોપી યુવતીની ઉંમર ૧૮ વર્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને વિશાલની ઉંમર પણ માત્ર ૨૧ વર્ષની જ છે.
આરોપી યુવતી અને તેના મિત્રએ બુલ્લી બાઈ એપ દ્વારા મુસ્લિમ મહિલાઓને લઈ અપમાનજનક અને અભદ્ર વાતો ફેલાવી હતી. આ ઉપરાંત તેમની હરાજી કરવા જેવું સાવ નિમ્ન કક્ષાનું કામ પણ કર્યું હતું. પોલીસ તે યુવતી ઉપરાંત તેના સાથીને પણ બેંગલુરૂથી મુંબઈ લઈ જઈ રહી છે.
જાણવા મળ્યા મુજબ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર ખાતેથી કસ્ટડીમાં લેવામાં આવેલી યુવતીની ઉંમર ૧૮ વર્ષની છે અને તે ૧૨મા ધોરણની વિદ્યાર્થીની છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ બાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી હતી. ત્યાંથી આરોપી યુવતીને ટ્રાન્જિટ રિમાન્ડ પર લઈને ટીમ મુંબઈ રવાના થઈ હતી અને બુધવારે તેઓ મુંબઈ પહોંચી જશે.
આ કાંડના અન્ય આરોપી વિશાલની બેંગલુરૂ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તે એન્જિનિયરિંગ શાખાનો ૨૧ વર્ષીય વિદ્યાર્થી છે અને તે આ ષડયંત્રની મુખ્ય આરોપી યુવતીનો મિત્ર છે. ઉત્તરાખંડની રહેવાસી યુવતી અને વિશાલ બંને એકબીજાને પહેલેથી જ ઓળખે છે. તેઓ બંને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મિત્ર છે માટે તપાસમાં બંનેની લિંક હોવાની પૃષ્ટિ સરળ બની છે.
આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી વિશાલ કુમારને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે બેંગલુરૂની કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યાંથી તેને ૧૦ જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ સાથે જ કોર્ટે પોલીસને બુલ્લીબાઈ એપ કેસ મામલે તેમના ઠેકાણાઓની તલાશી લેવાની મંજૂરી પણ આપી છે.

 

(8:19 pm IST)