Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સેન્સેક્સમાં ૩૬૭, નિફ્ટીમાં ૧૨૦ પોઈન્ટનો ઊછાળો

૨૦૨૨ના વર્ષના શરૂના ત્રણ દિવસોમાં બજારમાં તેજીઃ બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, કોટક બેંક, એક્સિસ બેંક અને ટાટા સ્ટીલ ટોચના ૫ કમાણી કરનારા શેર હતા

મુંબઈ, તા.૫: વર્ષ ૨૦૨૨ની શરૂઆતથી જ શેરબજારમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષનો પ્રથમ ટ્રેડિંગ દિવસ સોમવારે હતો અને સોમવારથી આજ સુધીમાં શેરબજારમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. બુધવારે ત્રીજા દિવસે પણ શેરબજાર જોરદાર ખુલ્યું અને તેજી સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સ બુધવારે સવારે ૫૯,૯૨૧.૯૮ પોઈન્ટ પર ખૂલ્યો હતો, જે વધીને ૬૦,૩૩૨.૭૨ અને સૌથી નીચો ૫૯,૬૬૧.૩૮ પોઈન્ટ પર ગયો હતો. પછી અંતે ૩૬૭.૨૨ પોઈન્ટ (૦.૬૧ ટકા)ના વધારા સાથે ૬૦,૨૨૩.૧૫ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. અગાઉ મંગળવારે તે ૫૯,૮૫૫.૯૩ પોઈન્ટ પર બંધ થયો હતો. બુધવારે સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, કોટક બેંક, એક્સિસ બેંક અને ટાટા સ્ટીલ ટોચના ૫ શેરો હતા. બીજી તરફ, ટેક કેમ, ઈન્ફી, એચસીએલ ટેક, વિપ્રો અને પાવર ગ્રીડએ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું.
આ સિવાય એનએસઈ નો નિફ્ટી ઈન્ડેક્સ બુધવારે સવારે ૧૭,૮૨૦ પોઈન્ટ પર ખૂલ્યો હતો, જે વધીને ૧૭,૯૪૪.૭૦ અને સૌથી નીચો ૧૭,૭૪૮.૮૫ પોઈન્ટ પર ગયો હતો. પછી અંતે ૧૨૦ પોઈન્ટ (૦.૬૭ ટકા)ના વધારા સાથે ૧૭,૯૨૫.૨૫ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, કોટક બેંક, જેએસડબલ્યુ સ્ટીલ અને ગ્રાસિમ નિફ્ટીમાં ટોપ પરફોર્મર રહ્યા છે. ટેકકેમ, ઈન્ફી, એચસીએલ ટેક, દિવીસ લેબ અને વિપ્રો એ પણ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં ઉછાળા સાથે સ્થાનિક ઇક્વિટી બજારો મજબૂત રહ્યા હતા. વૈશ્વિક સ્તરે, કોવિડ કેસોમાં ઉછાળો હોવા છતાં સેન્ટિમેન્ટ મજબૂત છે. તેનું કારણ કોરોના વાયરસના નવા સ્વરૂપની આર્થિક પ્રવૃત્તિઓ પર ઓછી અસર હોવાના અહેવાલ છે.

 

(8:17 pm IST)