Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ગડકરી ભાજપ-શિવસેનાના મતભેદ દૂર કરી શકેઃ સત્તાર

મહારાષ્ટ્ર સરકારમાં રાજ્ય મંત્રી સત્તારે નવી દિલ્હી ખાતે ગડકરી સાથેની એક બેઠક બાદ આવી ટિપ્પણી કરી હતીઃ મહારાષ્ટ્રના મંત્રીએ સંકેત આપતા રાજકીય ગરમાવો

  મુંબઈ, તા.૫: મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના નેતા અબ્દુલ સત્તારે રાજ્યમાં ફરી એક વખત ભાજપા-શિવસેના ગઠબંધનની સરકારનો સંકેત આપ્યો છે. અબ્દુલ સત્તારે મંગળવારે જણાવ્યું કે, ફક્ત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જ બંને દળ વચ્ચેના મતભેદો દૂર કરી શકે છે. સત્તારે રાજ્યમાં ભાજપા-શિવસેના વચ્ચે સત્તા શેર કરવા માટે બિહારની ફોર્મ્યુલાનું સૂચન પણ કર્યું હતું.
મહારાષ્ટ્ર સરકારમાં રાજ્ય મંત્રી સત્તારે નવી દિલ્હી ખાતે ગડકરી સાથેની એક બેઠક બાદ આવી ટિપ્પણી કરી હતી. બેઠક દરમિયાન તેમણે મરાઠવાડા ક્ષેત્રમાં રાજમાર્ગ પરિયોજનાઓ અંગે પણ ચર્ચા કરી હતી.
સત્તારે જણાવ્યું કે, 'જો દિલ્હીમાં ભાજપા નેતૃત્વ ઈચ્છે તો કાંઈ પણ બની શકે છે કારણ કે, ભાજપાએ કનિષ્ઠ ગઠબંધન સહયોગી (જદયુ)ને બિહારમાં નેતૃત્વની મંજૂરી આપી છે.' ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરવા છતાં ભાજપાએ બિહારના મુખ્યમંત્રીનું પદ નીતિશ કુમારને સોંપ્યું હતું.
મહારાષ્ટ્ર ખાતે સિલોડના ધારાસભ્ય સત્તારે જણાવ્યું કે, 'જો ગડકરી ભાજપા અને શિવસેના વચ્ચે સેતુ બનાવવાનો નિર્ણય લે તો તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કરી શકે છે અને તેમને વિનંતી કરી શકે છે. ફક્ત ઉદ્ધવ સાહેબ જ શિવસેના અને ભાજપા વચ્ચે ગઠબંધન પર નિર્ણય લઈ શકે છે.'
ધારાસભ્યએ ગડકરીને મહારાષ્ટ્રના એક વરિષ્ઠ નેતા તરીકે પણ વર્ણિત કર્યા જેમના ઠાકરે પરિવાર સાથે ઘનિષ્ઠ સંબંધ હતા. તેમણે કહ્યું કે, ગડકરીએ શિવસેના-ભાજપા ગઠબંધનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જે ૩ દશકા કરતાં પણ વધારે સમય સુધી ચાલી હતી.
વધુમાં સત્તારે કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મનમાં ગડકરી માટે ખૂબ સન્માન છે અને જો ભાજપા નેતાએ આ પ્રસ્તાવ સાથે ઠાકરેનો સંપર્ક કર્યો તો પ્રક્રિયા થોડી આગળ વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીઓ બાદ શિવસેના-ભાજપાનું ગઠબંધન તૂટી ગયું હતું જ્યારે ઠાકરેએ ભાજપા પર આરોપ લગાવ્યો હતો કે, તે મુખ્યમંત્રી પદને શિવસેના સાથે ૨.૫ વર્ષ માટે શેર કરવાના પોતાના વચનમાંથી પાછી હટી ગઈ. શિવસેનાએ બાદમાં ઠાકરે સાથે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (એમવીએ) સરકાર બનાવવા માટે એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો જેથી વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપ સત્તાથી દૂર થઈ ગયું હતું.
કુલ ૩ વખત ધારાસભ્ય રહી ચુકેલા સત્તારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી દીધું હતું અને તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠક બાદ ભાજપમાં સામેલ થવા માટે તૈયાર હતા.
જોકે મરાઠવાડામાં ભાજપા નેતાઓના વિરોધ બાદ સત્તાર શિવસેનામાં સામેલ થઈ ગયા અને ૨૦૧૯માં ફરી રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયા.

 

(8:12 pm IST)