Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

અમિતાભના બંગલામાં કામ કરતા સ્ટાફ મેમ્બરને કોરોના

સ્ટાફને હાલ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છેઃ બોલિવૂડના શહેનશાહના ઘરમાં ફરી કોરોનાનો પ્રવેશ

મુંબઈ, તા.૫: બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલોમાં કામ કરતાં એક સ્ટાફ મેમ્બરનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમ બીએમસીના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. મંગળવારના બ્લોગમાં અમિતાભ બચ્ચને માહિતી આપી હતી કે, તેઓ કેટલીક 'ઘરેલુ કોવિડ સ્થિતિ' સામે કામ કરી રહ્યા છે. આ સાથે તેમણે તેમ પણ કહ્યું હતું કે, તેઓ બાદમાં ફેન્સ સાથે કનેક્ટ થશે.
બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચનના બંને બંગલો પ્રતિક્ષા અને જલસાના સ્ટાફના ૩૧ સભ્યોમાંથી, નિયમિત કોવિડ-૧૯ ટેસ્ટ દરમિયાન એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અધિકારીએ ઉમેર્યું હતું કે, અમિતાભ બચ્ચનની ટીમ તરફથી કર્મચારીઓ માટે રૂટિન કોવિડ-૧૯ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, તેમ અધિકારીએ ઉમેર્યું હતું.
'સ્ટાફને હાલ બીએમસીના સીસીસી-૨ (કોવિડ કેર સેન્ટર ૨)માં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે', તેમ તેમણે કહ્યું હતું. તેમમે વધુમાં ઉમેર્યું હતું કે, પોઝિટિવ સ્ટાફ એસિમ્પ્ટોમેટિક છે.
અન્ય એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, ગાઈડલાઈન્સ પ્રમાણે તેઓ કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કર્યું છે, જેમાં કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને હોમ ક્વોરન્ટાઈનનો સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચન, જેઓ નિયમિત રીતે ફેન્સ સાથે બ્લોગ દ્વારા તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે અપડેટ આપતા રહે છે, તેમણે મંગળવારે પ્લેટફોર્મ પર એક ક્રિપ્ટિક લાઈન લખી હતી. કેટલીક ઘરેલુ કોવિડ પરિસ્થિતિ સામે લડી રહ્યો છું...પછી કનેક્ટ થઈશ', તેમ મે, ૨૦૨૧મા કોરોનાની રસીના બંને ડોઝ લઈ ચૂકેલા ૭૯ વર્ષીય એક્ટરે લખ્યું હતું. આ પોસ્ટ બાદ તેમના ફેન્સ તરત જ પરિવાર તેમજ પોતાની કાળજી લેવાની વિનંતી કરી હતી. ૨૦૨૦માં, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એક્ટર-વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પૌત્રી આરાધ્યા બચ્ચન પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

 

(8:11 pm IST)