Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જો બુલ્લીબાઇ એપની માસ્‍ટર માઇન્‍ડ ખરેખર 18 વર્ષની છોકરી છે અને તેના માતા-પિતા કેન્‍સર અને કોરોનાથી મૃત્‍યુ પામ્‍યા હોય તો લોકોએ છોકરીને મળીને માફ કરવી જોઇએઃ જાવેદ અખ્‍તરે ટ્‍વિટ કર્યુ

ઓનલાઇન બિડિંગના મામલે ફિલ્‍મ નિર્માતા અને ગીતકારના અનેક ટ્‍વિટ

મુંબઇઃ જાણીતા ફિલ્મ નિર્માતા અને ગીતકાર જાવેદ અખ્તરે આ દિવસોમાં ‘બુલ્લી બાઈ’ એપ પર મુસ્લિમ મહિલાઓની તસવીરો અપલોડ કરીને ઓનલાઈન બિડિંગના મામલે અનેક ટ્વિટ કર્યા છે.

આજે પોતાના નવા ટ્વીટમાં જાવેદ અખ્તરે લખ્યું છે કે, “જો બુલ્લી બાઈ એપની માસ્ટરમાઈન્ડ ખરેખર 18 વર્ષની છોકરી છે જેના માતા-પિતા કેન્સર અને કોરોનાથી મૃત્યુ પામ્યા છે તો લોકોએ તે છોકરીને મળવું જોઈએ અને વડીલોની જેમ તેને સમજાવતા કહેવું જો-ઈએ કે તેણે જે પણ કર્યું તે ખોટું હતું. તે પછી દયા બતાવીને માફ કરવી જોઈએ.

4 જાન્યુઆરીના રોજ અન્ય એક ટ્વિટમાં જાવેદ અખ્તરે લખ્યું હતું કે, “જ્યારથી મેં મહિલાઓની ઓનલાઈન બિડિંગ, ગોડસેનું મહિમા ગાન અને નરસંહારની અપીલો સામે અવાજ ઉઠાવ્યો છે, ત્યારથી કેટલાક કટ્ટરપંથીઓ મારા સ્વાતંત્ર્ય સેનાની પૂર્વજને ગાળો આપી રહ્યાં છે જેઓ 1864માં કાલાપાનીમાં મૃત્યુ પામ્યા હતા. તમે આ મૂર્ખ લોકોને શું કહેશો?

આ પહેલા 3 જાન્યુઆરીએ અન્ય એક ટ્વિટમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, “સેંકડો મહિલાઓની ઓનલાઈન બોલી લગાવવામાં આવી રહી છે. કહેવાતી ધર્મ સંસદમાં 20 કરોડ ભારતીયોના નરસંહાર માટે અપીલ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં મૌન અને ખાસ કરીને વડાપ્રધાનનું મૌન હેરાન કરનારું છે. શું આજ બધાનો વિકાસ છે?

(4:55 pm IST)