Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ બે અઠવાડિયા સુધી નહીં યોજે રાજકીય રેલીઓ અને કાર્યક્રમ

વધી રહેલા કોરોના કેસોને લીધે લીધો મોટો નિર્ણય

નવી દિલ્‍હી, તા.૫: દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેની અસર હવે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પર પણ જોવા મળી છે. કોંગ્રેસે કોરોનાના વધી રહેલા કેસોને જોતા બે અઠવાડિયા સુધી ઉત્તર પ્રદેશમાં રેલીઓ અને કાર્યક્રમ  ન યોજવાનો નિર્ણય લીધો છે. અન્‍ય રાજયોમાં સ્‍થિતિને જોતા નિર્ણય લેવામાં આવશે.
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્‍યું કે કોંગ્રેસ પાર્ટી દેશમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે ચિંતામા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસે બે અઠવાડિયા સુધી રાજયમાં રેલીઓ ના યોજવાનો નિર્ણય કર્યો છે. તેના પછી સ્‍થિતિની સમીક્ષી કરી આગળ નિર્ણય લેવામાં આવશે.
વેણુગોપાલે જણાવ્‍યું કે કોંગ્રેસે તેની શરૂઆત કરી છે. અમને લાગે છે કે અન્‍ય પાર્ટીઓ પણ કોંગ્રેસની જેમ પગલા લેશે. તેમણે જણાવ્‍યું કે અમે અન્‍ય રાજયોને પણ સ્‍થિતિ પર કરી યોગ્‍ય નિર્ણય લેવા જણાવ્‍યું છે.
ભારતમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાલો જોવા મળ્‍યો છે. આજે એટલે બુધવારે ૫૮,૦૯૭ નવા કોરોનાના કેસ સામે આવ્‍યા છે. મંગળવારે નોંધાયેલા કેસોની સરખામણીમાં તે ૫૫.૪ ટકા વધારો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૫૩૪ લોકોના મોત થયા છે. તેની સાથે જ કોરોનાના નવા વેરિઅન્‍ટના કેસોમાં પણ તેજી જોવા મળી છે. હાલ દેશમાં ઓમિક્રોનના કેસની સંખ્‍યા વધી ૨,૧૩૫ થઈ ગઈ છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્‍હીમાં છે.
આરોગ્‍ય મંત્રાલય મુજબ ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫૮,૦૯૭ નવા કેસ સામે આવ્‍યા છે, જયારે ૧૫,૩૮૯ કોરોના દર્દી સાજા થયા છે અને ૫૩૪ લોકો મૃત્‍યુ પામ્‍યા છે. કોરોનાના એક્‍ટિવ કેસ વધી ૨,૧૪,૦૦૪ એ પહોંચી ગયા છે. ડેલી પોઝિટિવ રેટમાં વધારો થઈ ૪.૧૮ ટકાએ પહોંચ્‍યો છે.
જે રાજયોમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્‍યો છે, તેમા મહારાષ્ટ્ર (૧૮,૪૬૬ નવા કેસ), પશ્ચિમ બંગાળ (૯૦૭૩), દિલ્‍હી (૫૪૮૧), કેરળ (૩૬૪૦) અને તમિલનાડુ (૨૭૩૧) નું નામ સામેલ છે. કુલ નવા કેસ એટલે ૫૮,૦૯૭ માંથી ૬૭.૮ ટકા આ રાજયોમાંથી છે. ફક્‍ત મહારાષ્ટ્રનો જ હિસ્‍સો ૩૧.૭૮ ટકા છે.

 

(4:10 pm IST)