Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સીએમ નિતીશના ઘર પર કોરોનાનો ફુંફાડો : ૨૨ ટકા કર્મચારી સંક્રમિત

બિહારના બંને ડેપ્‍યુટી સીએમ પણ પોઝિટિવ

પટણા તા. ૫ : બિહારમાં કોરોનાની ત્રીજી લહેરનીᅠઅસર દેખાવા લાગી છે.  તાજેતરની માહિતી અનુસાર, મુખ્‍યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્‍થાનના ૨૨ ટકા કાર્યકરો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્‍યું છે. આ પહેલા નીતીશ કુમાર સાથેની કેબિનેટની બેઠક પહેલા રાજયના ચાર મંત્રીઓ કોરોના સંક્રમિત જોવા મળ્‍યા હતા.ᅠ
ᅠસીએમ નીતિશ આજે સવારે ૧૧.૩૦ વાગ્‍યે કેબિનેટની બેઠક કરવાના હતા. માહિતી અનુસાર, બિહારના ડેપ્‍યુટી સીએમ રેણુ દેવી અને તાર કિશોર પ્રસાદની સાથે એક્‍સાઇઝ મિનિસ્‍ટર સુનીલ કુમાર અને બિલ્‍ડિંગ કન્‍સ્‍ટ્રક્‍શન મિનિસ્‍ટર અશોક ચૌધરી પણ કોરોના સંક્રમિત જોવા મળ્‍યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેબિનેટની બેઠક પહેલા હવે તમામ મંત્રીઓને કોરોના ટેસ્‍ટ કરાવીને આવવા માટે કહેવામાં આવ્‍યું છે. હાલ બાકીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.ᅠ
તાર કિશોર પ્રસાદે ટ્‍વીટ કર્યું કે મારો કોવિડ ટેસ્‍ટ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. હાલમાં હું મારા પટનાના ઘરે ક્‍વોરેન્‍ટાઇનમાં છું. મહેરબાની કરીને આ સમય દરમિયાન મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાને એકલતામાં રાખો અને તેમના સ્‍વાસ્‍થ્‍યને લગતી તમામ સાવચેતી રાખો. તમે પણ બધાનું ધ્‍યાન રાખો. બિહારમાં કોવિડના કેસ વધવાના કારણે મંગળવારે જ ત્‍યાં કડક નિયંત્રણો લાદવામાં આવ્‍યા હતા. આમાં નાઇટ કફર્યુની જાહેરાત કરવામાં આવી હતી. તે જ સમયે, મંદિરમાં ભક્‍તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. આ સાથે હવે સિનેમા હોલ પણ નહીં ખુલશે.ᅠ
૦૪ જાન્‍યુઆરીએ આવેલા નવા આદેશ અનુસાર બિહારમાં રાત્રે ૧૦ વાગ્‍યાથી સવારના ૫ વાગ્‍યા સુધી નાઈટ કફર્યુ લાદવામાં આવશે. હાલમાં ૬ જાન્‍યુઆરીથી ૨૧ જાન્‍યુઆરી સુધી નાઇટ કફર્યુ લાદવામાં આવ્‍યો છે. આ ઉપરાંત આવશ્‍યક સેવાઓ સિવાયની તમામ દુકાનો રાત્રે ૮ વાગ્‍યા સુધી ખુલ્લી રહેશે. પરંતુ આગામી આદેશ સુધી તમામ ધર્મસ્‍થળો શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્‍યા છે. સિનેમા હોલ, જીમ, પાર્ક, ક્‍લબ, સ્‍ટેડિયમ અને સ્‍વિમિંગ પુલ સંપૂર્ણપણે બંધ રહેશે.
રેસ્‍ટોરન્‍ટ ઢાબા ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલી શકશે. એવી પણ માહિતી આપવામાં આવી છે કે લગ્ન સમારોહમાં વધુમાં વધુ ૫૦ વ્‍યક્‍તિઓ અને અંતિમવિધિમાં વધુમાં વધુ ૨૦ વ્‍યક્‍તિઓ હાજરી આપશે. તે જ સમયે, તમામ રાજકીય અને સાંસ્‍કૃતિક અને જાહેર કાર્યક્રમોમાં મહત્તમ ૫૦ᅠલોકોની જ હાજરીમાં થશે.

 

(4:03 pm IST)