Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પંજાબઃ ખેડૂતોએ રોક્‍યો પીએમ મોદીનો કાફલોઃ ૧૫ મિનીટ સુધી થોભવુ પડયુઃ ફિરોઝપુર રેલી રદ્દ

પીએમની સુરક્ષામાં આટલી મોટી ચુક કેમ ? ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે રિપોર્ટ માંગ્‍યો

નવી દિલ્‍હી તા.૫: પીએમ મોદી આજે પંજાબના ફિરોઝપુરમાં રેલી યોજવાના હતા પરંતુ અંતિમ ઘડીએ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્‍યો હતો.  પહેલા રેલી રદ્દ થવા પાછળ વરસાદને કારણભૂત ગણવામાં આવતુ હતુ પરંતુ હવે તેની પાછળ સુરક્ષાના કારણોનો હવાલો આપવામાં આવ્‍યો છે.ગૃહ મંત્રાલય તરફથી નિવેદન જારી થયુ હતુ અને પંજાબ સરકાર પાસે જવાબ માંગવામાં આવ્‍યો છે. ભાજપે આ બાબતે સીએમ ચન્‍નીનું રાજીનામુ માંગ્‍યુ છે. ગૃહ મંત્રાલય તરફથી જણાવાયુ છે કે પીએમ મોદી સવારે ભટીંડા પહોંચ્‍યા હતા પછી ત્‍યાંથી તેમને હેલિકોપ્‍ટરથી હુસેનીવાલા જવાનું હતુ પરંતુ ભારે વરસાદના કારણે પીએમને ૨૦ મિનીટ રાહ જોવી પડી હતીઃ બાદમાં આસમાન સાફ ન થતા તેમણે રસ્‍તા માર્ગેથી ત્‍યાં જવાનો નિર્ણય લીધોઃ જેમાં બે કલાક લાગવાના હતા. કાફલો જ્‍યારે રાષ્‍ટ્રીય શહિદ સ્‍મારકથી ૩૦ કિ.મી. દૂર હતો ત્‍યારે એક ફલાયઓવર આવ્‍યો ત્‍યાં રસ્‍તા વચ્‍ચે  કિસાન દેખાવકારો બેસી ગયા હતા, તે ફલાયઓવર પર પીએમ મોદીનો કાફલો ૧૫થી ૨૦ મિનીટ ફસાયેલો રહ્યો હતો. જેને ગૃહ મંત્રાલયે પીએમની સુરક્ષામાં મોટી ચુક ગણી છે. ગૃહ મંત્રાલયે જણાવ્‍યુ છે કે, પીએમના કાર્યક્રમ અને યાત્રાની યોજના અંગે પંજાબ સરકારના પહેલેથી જણાવી દેવાયુ હતુ. પ્રક્રિયા અનુસાર તેમને રસાલો, સુરક્ષાની સાથે-સાથે આકસ્‍મિક યોજના પણ તૈયાર રાખવા જણાવાયુ હતુ. છતાં પંજાબ સરકારે કશુ ધ્‍યાન આપ્‍યુ ન હતુ. અત્રે એ નોંધનીય છે કે, આજે વડાપ્રધાન પંજાબમાં ૪૨૭૫૦ કરોડની વિકાસ યોજનાઓની આધારશીલા રાખવાના હતા.

 

(3:32 pm IST)