Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કઝાકિસ્તાનમાં પેટ્રોલ-LPGનાં ભાવ વધતાં લોકો બેકાબુ : સરકાર પડી ભાંગી

પોલીસની ગાડીઓ રોકી આગને હવાલે કરાઇ : ભારે હિંસા : ઇમરજન્સી લાગુ

નવી દિલ્હી તા.૫ : કજાકિસ્તાનની સરકારે પેટ્રોલ તેમજ એલપીજીના ભાવ વધાર્યા જેના કારણે હવે ત્યા લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. દેશભરમાં લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ એટલી હદે વધી ગયો છે કે પોલીસે ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા છે.

પરિસ્થિતી એટલી હદે વણસી ગઈ છે કે દેશમાં ઈમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે. જયા સુધી સ્થિતી ન સુધરે ત્યા સુધી ત્યાના લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા દેશની રાજધાની અલ્માટી અને મંગિસ્ટાઉમાં વિરોધ પ્રદર્શનને કારણે રાતે ૧૧ થી સવારના ૭ વાગ્યા સુધી કર્ફયું લગાવી દેવામાં આવ્યો છે.

સેના અને જનતા વચ્ચે વિરોધ એટલી હદે વધી ગયો છે કે સોશિયલ મીડિયા પર હાલ તેના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં કજાકિસ્તાનની જનતા પોલીસની ગાડીઓ રોકવાની સાથે તે ગાડીઓ પર આગ લગાવતી પણ નજરે પડી રહી છે. વીડિયોમાં જોઈ શકો છે કે લોકોએ પોલીસની ગાડી પર આગચંપી કરી છે.

હિંસક વિરોધને કારણે રાષ્ટ્રપતિએ રાજધાની અલ્માટી અમે મંગિસ્ટાઉમાં જેટલા પણ સામૂહિક કાર્યક્રમો હતા તે કાર્યક્રમોને રદ કરી દીધા છે. સાથેજ ત્યા અવરજવર પણ પર રોક લગાવી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કજાકિસ્તાનમાં આ પરિસ્થિતી વણસી જવાના કરાણે સરકાર દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તેવી માહિતી પણ સામે આવી રહી છે. જેના કારણે હવે રાષ્ટ્રપતિ તેમની શકિતઓનો ઉપયોગ કરી રહ્યા છે જે વાતનો તેમણે સ્વીકાર કરી લીધો છે.

(3:13 pm IST)