Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

શુભ મુહૂર્તના નામે ૧૧ વર્ષ પતિથી દૂર રહી પત્ની : વિચિત્ર કેસમાં છત્ત્।ીસગઢ હાઈકોર્ટનો ડિવોર્સનો આદેશ

જેથી પતિએ હાઈકોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતીઃ પત્નીએ શુભ મુહૂર્તનો ઉપયોગ સાધન તરીકે કર્યોઃ હાઇકોર્ટ : લગ્ન બાદ પતિ તેની પત્ની સાથે માત્ર ૧૧ દિવસ રહ્યો, બાદમાં પરિવારજનો આવ્યા અને જરૂરી કામ છે કહીને લઈ ગયા હતા, ત્યારથી પાછી જ ન આવી

રાયપુર, તા.૫: છત્તીસગઢ હાઈકોર્ટે એક વિચિત્ર કેસમાં છૂટાછેડાનો આદેશ જાહેર કર્યો છે. શુભ મુહૂર્તને લઈને લગ્નના ૧૧ વર્ષ બાદ પણ પત્ની સાસરે આવવાની ના પાડી રહી હતી. આટલા લાંબા સમય સુધી પતિથી દૂર રહેવાના મામલાને કોર્ટે પરિત્યાગનો મામલો ગણાવ્યો છે. જસ્ટિસ ગૌતમ ભાદુરી અને રજની દુબેની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું કે શુભ સમય એખ પરિવારના સુખી સમય માટે હોય છે. તેનો ઉપયોગ પત્નીને તેના વૈવાહિક દ્યરની શરૂઆત કરવા માટે અવરોધક સાધન તરીકે કરવામાં આવે છે.

કોર્ટે હિંદુ મેરેજ એકટ હેઠળ આ લગ્નને તોડી નાખ્યા છે. હિંદુ મેરેજ એકટની કલમ ૧૩(IB) હેઠળ છૂટાછેડાના હુકમને મંજૂર કરવામાં આવી છે. કોર્ટે ગયા મહિને આપેલા પોતાના આદેશમાં કહ્યું હતું કે તથ્યો મુજબ પત્નીએ તેના પતિને સંપૂર્ણપણે છોડી દીધો છે, તેથી તે છૂટાછેડા લેવાનો હકદાર છે. આ ઓર્ડરની નકલ હવે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અપીલકર્તા સંતોષ સિંહે અગાઉ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી, જયાં પરિત્યાગના આધારે છૂટાછેડા માટેની તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યારપછી તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજી અનુસાર સંતોષ સિંહના લગ્ન જુલાઈ ૨૦૧૦માં થયા હતા. તે તેની પત્ની સાથે ૧૧ દિવસ રહ્યો. ત્યારપછી પત્નીના પરિવારજનો આવ્યા અને તેમને કોઈ જરૂરી કામ છે તેમ કહીને લઈ ગયા. આ પછી પતિએ તેને તેના મામાના દ્યરેથી તેના સાસરે લાવવા બે વખત પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્નીએ આ શુભ મુહૂર્ત ન હોવાનું કહીને આવવાની ના પાડી દીધી હતી.

અરજીના જવાબમાં, પત્નીએ દલીલ કરી છે કે તે પતિના ઘરે આવવા માટે તૈયાર હતી, પરંતુ જયારે શુભ મુહૂર્ત શરૂ થયો ત્યારે તે તેને પાછો લેવા માટે ફરીથી આવ્યો ન હતો, જે તેમના રિવાજ મુજબ જરૂરી હતું. પત્નીએ એમ પણ કહ્યું કે તેણીએ તેના પતિને છોડ્યો નથી પરંતુ તે પોતાના રૂઢિગત પ્રથા મુજબ તેને પરત લાવવામાં નિષ્ફળ રહ્યો છે.

જો કે, સંતોષ સિંહના વકીલે રજૂઆત કરી હતી કે પત્ની જાણતી હતી કે વૈવાહિક અધિકારો પુનઃસ્થાપિત કરવા માટેનો હુકમનામું પસાર કરવામાં આવ્યું છે, પરંતુ તેણીએ હજુ પણ તેના પતિ સાથે વૈવાહિક જીવનમાં જોડાઈ નથી. કોર્ટમાં હાજર થયેલી પત્નીના વકીલે કહ્યું કે બંને પક્ષો વચ્ચે પ્રચલિત પ્રથા એવી હતી કે પતિએ બેવડા લગ્ન સમારોહ દરમિયાન આવવું જરૂરી હતું.

(3:13 pm IST)