Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

દિલ્‍હીમાં કોરોનાનો મહા વિસ્‍ફોટઃ આજે દસ હજારથી વધુ કેસ નોંધાશે તેવો આરોગ્‍ય મંત્રીનો દાવોઃ હવે દરેક નમૂનાનું જીનોમ સિક્‍વન્‍સિંગ શકય નથી

નવી દિલ્‍હીઃ દિલ્‍હીમાં કોરોનાનો મહા વિસ્‍ફોટ થયો છે.  દિલ્‍હીના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી જૈનેએ રાજધાનીમાં કોરોનાના ત્રીજી લહેરની પુષ્ટિ કરતા કહ્યું છે કે આજે કોરોનાના લગભગ ૧૦ હજાર નવા કેસ સામે આવી શકે છે.  ગઈકાલની સરખામણીમાં તે લગભગ બમણા છે. ગઈકાલે  મંગળવારે દિલ્‍હીમાં લગભગ ૫૫૦૦ નવા દર્દીઓ મળી આવ્‍યા હતા.  સ્‍વાસ્‍થ્‍ય મંત્રીએ એમ પણ કહ્યું છે કે આજે પોઝિટીવીટી રેટ વધીને ૧૦ ટકા થઈ શકે છે.  સત્‍યેન્‍દ્ર જૈને કહ્યું કે દિલ્‍હીમાં ટેસ્‍ટિંગ વધારવામાં આવી રહ્યું છે.  મંગળવારે લગભગ ૯૦ હજાર સેમ્‍પલનું પરીક્ષણ કરવામાં આવ્‍યું હતું.  મોટી સંખ્‍યામાં કેસોને ટાંકીને તેમણે કહ્યું કે હવે દરેક નમૂનાનું જીનોમ સિક્‍વન્‍સિંગ શકય નથી.  તેમણે કહ્યું કે દરરોજ માત્ર ૩૦૦-૪૦૦ નમૂનાઓની જીનોમ સિક્‍વન્‍સિંગ કરવામાં આવી રહી છે.  નોંધપાત્ર વાત એ છે કે, આ ટેસ્‍ટથી કોરોનાના વેરિઅન્‍ટ્‍સ શોધી કાઢવામાં આવે છે.  સ્‍વાસ્‍થ્‍ય મંત્રીએ કહ્યું કે દિલ્‍હી સરકારે ખાનગી હોસ્‍પિટલોને કોરોના દર્દીઓ માટે બેડ વધારવાનો આદેશ આપ્‍યો છે.  સત્‍યેન્‍દ્ર જૈને કહ્યું, ‘સરકારે ખાનગી હોસ્‍પિટલોને કોરોના દર્દીઓ માટે આરક્ષિત બેડ ૧૦ ટકાથી વધારીને ૪૦ ટકા કરવા કહ્યું છે.  હાલમાં સરકારી હોસ્‍પિટલોમાં લગભગ ૨ ટકા બેડ ઉપર દર્દીઓ દાખલ છે.  

 

(3:02 pm IST)