Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ભારતના નકશામાં હંમેશા કેમ શ્રીલંકાનો

નકશો પણ જોવા મળે છે?: જાણો રસપ્રદ કારણ

નવી દિલ્હી, તા.પઃ તમે જો ધ્યાનથી ભારતનો નકશો જોયો હશે તો તેમાં શ્રીલંકાનો નકશો પણ જોવા મળે છે. જ્યારે ભારતના નકશામાં પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, અથવા મ્યાંમાર કે અન્ય કોઈ પણ પડોશી દેશનો નકશો જોવા મળતો નથી. નવાઈની વાત એ છે કે શ્રીલંકા ક્યારેય ભારતનો હિસ્સો રહ્યો નથી. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતથી અલગ થઈને બીજા દેશ બનેલા છે. શું તમે વિચાર્યું છે કે શ્રીલંકાનો નકશો ભારતના નકશા સાથે કેમ જોવા મળે છે.

જો તમે એમ વિચારતા હોવ કે ભારતનો શ્રીલંકા પર કોઈ પણ પ્રકારનો અધિકાર છે તો ના...બિલકુલ નહીં. ભારતના નકશામાં શ્રીલંકાનો નકશો જોવા મળે છે તેનો અર્થ બિલકુલ એમ નથી કે ભારતનો શ્રીલંકા પર કોઈ અધિકાર છે અથવા બંને દેશો વચ્ચે નકશાને લઈને કોઈ કરાર છે. આ પાછળ એક રસપ્રદ કારણ છે.  અત્રે જણાવવાનું કે આમ કરવા પાછળનું કારણ છે સમુદ્રી કાયદો. જેને ઓસિયન લો કહે છે. આ કાયદાને સંયુકત રાષ્ટ્રે  બનાવ્યો છે.

વર્ષ ૧૯૫૬માં આ કાયદાને બનાવવા માટે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી  (UNCLOS-1) નામના એક સંમેલનનું આયોજન કરાયું હતું. વર્ષ ૧૯૫૮માં સંયુકત રાષ્ટ્રે આ સંમેલનનું રિઝલ્ટ જાહેર કર્યું. તેમા સમુદ્ર સંલગ્ન સરહદો અંગે એકમત રાખવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૮૨ સુધી ત્રણ સંમેલન આયોજિત કરાયા. જેણે સમુદ્ર સંલગ્ન કાયદાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી.

૨૦૦ નોટિકલ માઈલના અંતરનો વિસ્તાર દેખાડવો જરૂરી કાયદામાં એ નક્કી થયું કે ભારતના નકશામાં કોઈ પણ દેશની બેસલાઈનથી ૨૦૦ નોટિકલ માઈલ વચ્ચે આવનારી જગ્યાને દેખાડવી જરૂરી છે. એટલે કે કોઈ દેશ સમુદ્ર કિનારે વસેલો છે તો તે સ્થિતિમાં તે દેશના નકશામાં તેની સરહદથી ૨૦૦ નોટિકલ માઈલ્સ વચ્ચે આવનારો વિસ્તાર પણ નકશામાં દેખાડવામાં આવશે.

૨૦૦ નોટિકલ માઈલ્સ એટલે ૩૭૦ કિલોમીટર અંતર થાય છે. આથી ભારતની સરહદથી ૩૭૦ કિલોમીટરના અંતર સુધીનો વિસ્તાર નકશામાં દેખાડવામાં આવે છે. આ જ કારણ છે કે શ્રીલંકાનો નકશો ભારતના નકશામાં સામેલ થતો રહે છે. અત્રે જણાવવાનું કે ભારતના ધનુષકોડીથી શ્રીલંકાનું અંતર માત્ર ૧૮ નોટિકલ માઈલ જ છે. આથી ભારતના નકશામાં શ્રીલંકા મહત્વનું સ્થાન ધરાવે છે. જ્યારે પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ અથવા મ્યાંમાર સમુદ્રી વિસ્તારમાં આવતા નથી.

(2:40 pm IST)