Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પાંચ રાજ્યોમાં

ચૂંટણીની જાહેરાત પછી રેલીઓ પર પ્રતિબંધની શકયતા

પશ્ચિમ બંગાળની ચુંટણીની જેમ કોરોના નિયમો હેઠળ કડકાઇ રાખશે ચૂંટણીપંચ

નવી દિલ્હી તા. ૫ : પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ સભાઓ અને રેલીઓ પર કોવીડ પ્રોટોકોલ હેઠળ સખ્તાઇ શરૂ કરી દેવાશે. અત્યારે કોરોનાના ઓમીક્રોન વેરીયેન્ટના વધતા પ્રસાર વચ્ચે પણ ચુંટણી રેલીઓ, બાઇક રેલીઓ, નુક્કડસભા અને જનસભાઓ પર કોઇ પ્રતિબંધ નથી.

ચુંટણી પંચના સૂત્રોએ કહ્યું છે કે, રેલીઓ પર પ્રતિબંધ કોવિડ-૧૯ દિશા નિર્દેશો હેઠળ લાગશે જેવી રીતે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કરાયું હતું. આ રેલીઓ પર નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કાનુન ૨૦૦૫, મહામારી એકટ ૧૮૯૭ અને રાજ્ય ડીઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા હેઠળ જિલ્લાધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓને સંપૂર્ણ સત્તા અપાશે. તેઓ કોરોના પ્રસારને ધ્યાનમાં રાખીને પોતાના વિસ્તારમાં રેલી આયોજીત કરવી કે ના કરવી તેનો નિર્ણય લઇ શકશે.

ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું કે જો રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પ્રોટોકોલનું પાલન નહીં કરે તો પંચ રેલીઓ પર પ્રતિબંધ મુકતા પણ નહીં ખચકાય. પણ આ બધું ચુંટણીની જાહેરાત થયા પછી જ કરાશે. જાહેરાત થતા જ પંચ રાજ્યોનું પ્રશાસન પોતાના હાથમાં લેશે. અનુચ્છેદ ૩૨૪ હેઠળ પંચને આ સત્તા મળે છે. સાથે જ આચારસંહિતા પણ લાગુ થઇ જશે.

દરમિયાન સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે, રાજ્ય ચુંટણી પંચ્ અથવા તેના પ્રતિનિધિના કોઇપણ આદેશ વિરૂધ્ધ અપિલ નહીં થાય. કોર્ટે મહારાષ્ટ્ર હાઇકોર્ટના એક આદેશને રદ્દ કરતા આ ટીપ્પણી કરી હતી.

(10:49 am IST)