Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સુરક્ષાદળોને મોટી સફળતા

જમ્મુ - કાશ્મીરના પુલવામા અથડામણ : એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની સહિત ત્રણ આતંકી ઠાર

શ્રીનગર તા. ૫ : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર કરાયા છે.ચાંદગામ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે થઇ હતી અથડામણ એન્કાઉન્ટરમાં સેનાને મળી મોટી સફળતા.સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી, ત્યાર બાદ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી લીધી હતી.

આઈજીપી કાશ્મીરે જણાવ્યું કે પુલવામા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ૩ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી એક પાકિસ્તાનનો રહેવાસી હતો. એન્કાઉન્ટર પછી, સુરક્ષા દળોએ સ્થળ પરથી ૨ એમ-૪ કાર્બાઈન અને ૧ એકે શ્રેણીની રાઈફલ તેમજ હથિયારો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

આ પહેલા ગઇકાલે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એકપોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના ઓકે ગામને ઘેરી લીધું હતું અને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, સેના અને આતંકીઓ સાથેના ઘર્ષણમાં સેનાને સફળતા મળી હતી.

(10:49 am IST)