Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

યુરોપમાં કોરોના બેફામ : બ્રિટનમાં બે લાખ, ઇટાલીમાં ૧ લાખ ૭૦ હજારથી વધુ કેસ

ઓમીક્રોનના કારણે વિશ્વમાં અનેક દેશોમાં ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા

નવી દિલ્હી તા. ૫ : ઓમિક્રોન વેરિઅન્ટના કારણે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સતત હાહાકાર મચાવી રહી છે. બ્રિટન, ઈટાલી અને ફ્રાન્સ સહિત અન્ય દેશોમાં રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ બે લાખ કેસ નોંધાયા છે. અગાઉ, અહીં એક દિવસમાં આટલા કેસ કયારેય નોંધાયા ન હતા. ઈટાલીમાં એક દિવસમાં ૧૭૦,૮૪૪ કેસની પુષ્ટિ થઈ છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરાને કહ્યું છે કે ગઈકાલે દેશમાં લગભગ ત્રણ લાખ કેસ નોંધાઈ શકે છે. તેમણે સંસદને આ અંગે જાણ કરી હતી.

બ્રિટનમાં ગઈકાલે કોરોના ચેપના રેકોર્ડ ૧૦ લાખ કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત એક લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગઈકાલેઅહીં ૨૧૮,૭૨૪ કેસ નોંધાયા હતા. વડા પ્રધાન બોરિસ જહોન્સને કહ્યું હતું કે ઇંગ્લેન્ડ લોકડાઉન વિના ચેપના વધારાનો સામનો કરી શકે છે. જહોન્સને ઈંગ્લેન્ડમાં કડક લોકડાઉન પગલાંના અમલીકરણનો વિરોધ કર્યો છે. તેમનું માનવું છે કે કોરોનાના આ મોજાને રોકવા માટે વેકસીન બૂસ્ટર ડ્રાઇવ અને વસ્તીમાં સાવચેતી પૂરતી હશે. ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટીએ કહ્યું કે કેસ વધવાની સાથે મૃત્યુ દરમાં વધારો થયો નથી, જયારે જોન્સને કહ્યું કે ICUમાં દાખલ થયેલા ૬૦ ટકા દર્દીઓને કોરોનાની રસી મળી નથી.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ગઈકાલે ઇટાલીમાં કોરોનાના ૧૭૦,૮૪૪ નવા કેસ નોંધાયા અને ૨૫૯ લોકોના મોત થયા. એક દિવસ પહેલા અહીં ૬૮,૦૫૨ કેસ નોંધાયા હતા અને ૧૪૦ લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરી ૨૦૨૦ થી, દેશમાં કોરોના રોગચાળાને કારણે ૧૩૮,૦૪૫ મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં ૬.૫૭ મિલિયન કેસ નોંધાયા છે. કોરોનાથી સંક્રમિત ૧૨,૯૧૨ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, એક દિવસ પહેલા આ આંકડો ૧૨,૩૩૩ હતો.

(10:47 am IST)