Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

એક મહિનાનું ૩બી રિટર્ન નહીં ભરાયું તો હવે GSTR-1 સ્વીકારવાનું બંધ થશે

પહેલા બે મહિના માટે નિયમ લાગુ કરાયા બાદ ફરી પાછો સુધારો કરાયો : વધતા જતા બોગસ બિલિંગના કેસને અટકાવવા માટે જાહેરનામું બહાર પડાયું

નવી દિલ્હી, તા.૫: વેપારીએ એક મહિનાનું ૩બી રિટર્ન ભર્યું નહીં હોય તો હવેથી જીએસટીઆર ૧ પણ પોર્ટલ પર ભરી શકશે નહીં. જોકે આ માટેનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે, પરંતુ પોર્ટલ પર આ સુવિધા આગામી દિવસોમાં શરૂ કરશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. તેના કારણે આ જાહેરનામાનો અમલ આગામી દિવસોમાં કરવા માટેની તૈયારીઓ જીએસટીએનએ શરૂ કરી દીધી છે.

છેલ્લા બે મહિનાનું ૩બી રિટર્ન ભરપાઇ કર્યું નહીં હોય તો જીએસટીઆર ૧ ભરી શકશે નહીં તે પ્રમાણેની સુવિધા પોર્ટલ પર તૈયાર કરી દેવામાં આવી હતી. જયારે એક જાન્યુઆરીથી તેમાં પણ સુધારો કરીને હવે એક મહિનાનું ૩બી રિટર્ન ભર્યું નહીં હોય તો પણ જીએસટીઆર ૧ ભરી શકશે નહીં. આ કરવા માટેનું કારણ એવું છે કે જીએસટી આવ્યા બાદ બોગસ બિલિંગના કેસમાં સતત વધારો થઇ રહ્યો હતો. તેને અટકાવવા માટે જ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી થોડાક અંશે બોગસ બિલિંગના કેસ ઘટવાની શકયતા આ નિર્ણયને કારણે હાલ જો જોવાઇ રહી છે.(૨૩.૫)

બોગસ બિલિંગ કરનારાઓ ૩બી રિટર્ન જ ભરતા નહોતા

બોગસ બિલિંગ કરનારાઓ જીએસટીઆર ૧ ભરી દે છે. જેથી સામેવાળા વેપારીને તેની ક્રેડિટ દેખાતી હોય છે. પરંતુ ૩બી રિટર્નમાં જીએસટી પેટે ભરપાઇ કરવાની રકમ ભરવાની હોય છે તે ભરતા નથી, પરંતુ ક્રેડિટ વાપરી નાખતા હોય છે. તેના કારણે બોગસ બિલિંગ કરનારાઓને અટકાવી શકાતા નથી. જયારે મોટાભાગના કિસ્સામાં આ જ પ્રમાણે બોગસ બિલિંગ કરવામાં આવતું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું જેથી તેમાં સુધારો કરીને જીએસટીમાં ૩બી રિટર્ન પણ એક મહિનાનું નહીં ભરાયું હોય તો જીએસટીઆર ૧ ભરી નહીં શકાય તેવો નિર્ણય કરાયો છે.(૨૩.૫)

પ્રામાણિકતાથી વેપાર કરનારાઓને ફાયદો થશે

જીએસટીમાં આવેલા નવા સુધારાના કારણે બોગસ બિલિંગ અટકવાની શકયતા વધુ છે. સાથે સાથે જે પ્રમાણિકતાથી વેપાર કરે છે તેને કોઇ વાંધો આવવાનો નથી. તેમજ પહેલા બે મહિનાનું ૩બી રિટર્ન નહીં ભરનાર જીએસટીઆર ૧ ભરી શકતા નહોતા. જયારે એક જાન્યુઆરીથી તેમાં પણ સુધારો કરીને એક મહિનો કરી દેવામાં આવ્યો છે. પાવન શાહ (ટેકસકન્સલ્ટન્ટ)

(10:28 am IST)