Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

૨૪ કલાકમાં ૫૮૦૬૭ કેસઃ ૫૩૪ લોકોનાં મોત : ૧૫૩૮૯ રીકવરી

ભારતમાં કોરોનાના કેસ ફરી રેકોર્ડ તોડવા લાગ્યા છેઃ ૨૪ કલાકમાં ૫૬ ટકાનો ઉછાળો : ૨,૧૪,૦૦૪ એકટીવ કેસઃ કોરોનાથી થયેલ મૃત્યુનો આંકડો ૪,૮૨,૫૫૧: ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, પ.બંગાળ, કર્ણાટક, રાજસ્થાન, આંધ્ર, બિહાર સહિતના રાજયોમાં કેસનો ફૂંફાડો

નવી દિલ્હી, તા.૫: ભારતમાં કોરોનાના કેસ વળી પાછા રેકોર્ડ તોડવા લાગ્યા છે. દેશમાં આજે કોરોનાના નવા ૫૮ હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ, કર્ણાટક, તમિલનાડુમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારાના કારણે આ ઉછાળો નોંધાયો છે.  અત્રે એ નોંધનીય છે કે ગઇકાલની સરખામણીએ ૫૬ ટકા કેસ વધ્યા છે. કુલ કેસ ૩૫,૦૧૮,૩૫૮ થયા છે. સક્રિય કેસ ૨,૧૪,૦૦૪ છે. કુલ રીકવરી ૩,૪૩,૨૧,૮૦૬ છે અને કુલ મોત ૪,૮૨,૫૫૧ છે અને રસીકરણ ૧,૪૭,૭૨,૦૮,૮૪૬નું થયું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૮,૦૯૭ કેસ નોંધાયા છે. હાલ દેશમાં ૨,૧૪,૦૦૪ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે એક દિવસમાં ૧૫,૩૮૯ દર્દીઓ રિકવર પણ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૫૩૪ દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં કુલ ૪,૮૨,૫૫૧ મૃત્યુ થયા છે. જયારે ૩,૪૩,૨૧,૮૦૩ દર્દીઓએ સાજા થવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ ૪.૧૮% છે.

દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, કેરળ, ગોવા, પંજાબ અને તેલંગણાના કેસ મળીને જ કોવિડના ૫૦ હજાર કરતા ઉપર નવા કેસ થઈ ગયા. કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન હાલ ચિંતાનો વિષય બનેલો છે.

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કહેરને રોકવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૪૭.૭૨ કરોડ ડોઝ અપાયા છે.

(10:28 am IST)