Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સિમેન્ટનાં ભાવમાં ફરી રૂ. ૧૫ થી ૩૫નો વધારો

સિમેન્ટમાં વપરાતા કાચા માલનાં ભાવ વધતા ભાવ ફરી વધ્યાં

મુંબઇ,તા. ૫ : દેશમાં સિમેન્ટ કંપનીઓ સિમેન્ટનાં ભાવમાં ફરી વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. અંબુજા સિમેન્ટ, જે.કે.સિમેન્ટ સહિતની કંપનીઓએ ભાવમાં ગુણીએ રૂ. ૧૫ થી ૩૫ નો વધારો કર્યો છે. હજી કેટલીક સિમેન્ટ કંપનીઓએ ભાવ વધાર્યાં નથી, જે પણ ટૂંકમાં વધારે તેવી સંભાવના છે.

રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને હરિયાણાં સહિતના રાજ્યોમાં લાગુ પડે એ રીતે જે.કે.સિમેન્ટે ભાવમાં રૂ. ૧૫, અને અંબુજા સિમેન્ટે રૂ. ૩૫નો વધારો કર્યો છે. જે.કે.સિમેન્ટનાં ભાવ ૫૦ કિલોની બેગના રૂ. ૪૦૦ આસપાસ ચાલે છે.

સિમેન્ટનાં ડિલરો કહે છે કે હાલમાં બીજી કંપનીઓના ભાવ વધારાનાં સમાચાર આવ્યા નથી, પરંતુ આગામી દિવસોમાં બાકીની કંપનીઓ પણ ભાવ વધારે તેવી સંભાવના છે. ડિસેમ્બરમાં મોટા ભાગની કંપનીઓએ સિમેન્ટનાં ભાવમાં રૂ. ૫ થી ૧૬ નો ઘટાડો કર્યો હતો. પરંતુ હવે ફરી ભાવ વધાર્યા છે. સિમેન્ટની માંગ પ્રમાણમાં હાલ ઓછી છે. સિમેન્ટની માંગ અત્યારે ઓછી છે. પરંતુ બીજી તરફ કાચા માલના ભાવ ઉંચા હોવાથી સિમેન્ટ કંપનીઓના નફા ઉપર અસર થઇ હોવાથી કંપનીઓએ ભાવમાં ફરી વધારો કર્યો છે. ક્રૂડતેલની બજાર અને કોરોનાનાં કેસની સ્થિતી ઉપર સિમેન્ટની માંગનો પણ મોટો આધાર રહેલો છે. જો કે સિમેન્ટમાં હાલનાં બહુ મોટો વધારો થાય તેવી સંભાવના પ્રમાણમાં ઓછી છે.

(10:04 am IST)