Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

EPFOનાં સભ્યોને સરકાર આપશે મોટી ભેટ : પેન્શનની રકમ ૯ ગણી વધારી ૯૦૦૦ કરી દેશે

મહિને હાલ ૧-૧ હજારને બદલે મળશે ૯-૯ હજાર રૂપિયા

નવી દિલ્હી,તા. ૫ : સરકાર ઇપીએફઓ પેન્શન સ્કીમના સબસ્ક્રાઇબરોને શાનદાર ભેટ આપવા જઇ રહી છે. આ સ્કીમમાં મળનાર મીનીમમ પેન્શનને હવે ૯ ગણુ વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આવું થશે તો હવે ઇપીએસ સાથે જોડાયેલા લોકોને દર મહિને ૧.૧ હજારના બદલે ૯-૯ હજાર રૂપિયા મળી શકે છે.

શ્રમ મંત્રાલય આ અંગે ફેબ્રુઆરીમાં થનારી બેઠકમાં નિર્ણય લઇ શકે છે. આ બેઠકમાં નવા વેજ કોડ પર પણ નિર્ણય લેવાય તેવું અનુમાન કરાય રહ્યુ છે. જણાવાઇ રહ્યુ છે કે આ મહત્વપૂર્ણ બેઠકનો મુખ્ય એજન્ડા કર્મચારી પેન્શન યોજના હેઠળ મીનીમમ પેન્શન વધારવાનો છે.

પેન્શનર્સ ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે કે મીનીમમ પેન્શનને વધારવું જોઇએ. આ બાબતે ઘણા તબક્કામાં વિચારણા પહેલા થઇ ચૂકી છે. સંસદની સ્થાયી સમિતિએ પણ આ બાબતે સૂચનો આપ્યા છે. જણાવાઇ રહ્યુ છે કે મીનીમમ પેન્શન વધારવાનો નિર્ણય સમિતિની ભલામણોના આધારે કરાય રહ્યો છે.

સંસદની સ્થાયી સમિતિએ માર્ચ ૨૦૨૧માં સૂચન કર્યું હતું કે મીનીમમ પેન્શનની રકમ વર્તમાન ૧ હજારથી વધારીને ૩ હજાર કરવી જોઇએ. જો કે પેન્શનરોનું કહેવું છે કે તેને વધારીને ૯ હજાર કરવી જોઇએ. આવું થશે તો જ ઇપીએસ-૯૫ સાથે જોડાયેલ પેન્શનરોને સાચા અર્થમાં ફાયદો મળશે.

(10:04 am IST)