Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પંજાબમાં તમામ ગૌશાળાઓના વીજળી બિલ માફ કરાશે : સોલાર સિસ્ટમ માટે 5 લાખ રૂપિયા મળશેઃચન્નીની જાહેરાત

સત્તા પર આવશે તો તે એક વર્ષમાં એક લાખ યુવાનોને નોકરી આપશે : યુવાનોને વિદેશમાં સ્થાયી થવા માટે અંગ્રેજી ભાષાની પરીક્ષાઓ માટે મફત કોચિંગ આપશે

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, સરકારે રાજ્યની તમામ ગૌશાળાઓના વીજળી બિલ માફ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે તમામ ગૌશાળાઓને વીજળી માટે સોલાર સિસ્ટમ લગાવવા માટે રૂપિયા 5 લાખ આપવામાં આવશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, સીએમ ચન્નીએ મંગળવારે ખેડૂત આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા 27 ખેડૂતોના પરિવારના સભ્યોને સરકારી નોકરીના નિમણૂક પત્રો આપ્યા હતા.

આજે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, જો કોંગ્રેસ આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પર આવશે તો તે એક વર્ષમાં એક લાખ યુવાનોને નોકરી આપશે અને તેમને વિદેશ જવા માટે મદદ કરવાનો કાર્યક્રમ પણ ચલાવશે. ચન્નીએ કહ્યું કે, યુવાનોને વિદેશમાં સ્થાયી થવા માટે અંગ્રેજી ભાષાની પરીક્ષાઓ માટે મફત કોચિંગ આપવામાં આવશે.

 

એક ખાનગી યુનિવર્સિટીમાં યુવાનો માટે પંજાબ ગવર્નમેન્ટ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ (PRAGTY) શરૂ કર્યા પછી, તેમણે કહ્યું કે 12મું ધોરણ પાસ કરનારા યુવાનો નોકરી માટે લાયક હશે. સરકાર બન્યાના એક વર્ષની અંદર નોકરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે નોકરીઓનું વચન એ જાહેરાત નથી પરંતુ પંજાબ કેબિનેટના નિર્ણયના સમર્થનમાં પ્રતિબદ્ધતા છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારનો પહેલો નિર્ણય આ નોકરીઓ આપવાનો હશે. તેમણે કહ્યું કે PRAGTY કાર્યક્રમ વિદ્યાર્થીઓને નાગરિક સેવાઓ અને સશસ્ત્ર દળો માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત કોચિંગ પ્રદાન કરશે. રાજ્ય સરકાર યુનિવર્સિટીઓમાં યુવાનો માટે સ્ટાર્ટઅપ કોર્સ પણ શરૂ કરશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબી યુવાનોએ તેમના કામ દ્વારા વિદેશના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. પંજાબ સરકાર યુવાનોને વિદેશમાં સ્થાયી થવામાં મદદ કરવા અને નકલી ટ્રાવેલ એજન્ટોથી બચાવવા માટે એક કાર્યક્રમ શરૂ કરશે. આ હેતુ માટે રાજ્ય સરકાર યુવાનોને વ્યાજમુક્ત લોન આપશે. આ ઉપરાંત સરકાર અંગ્રેજી ભાષાનું મફત કોચિંગ પણ આપશે. આ પ્રસંગે ચન્નીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની સાથે સેલ્ફી લીધી. તેમની સાથે ભાંગડા પણ કર્યા હતા.

ગયા વર્ષની શરૂઆતમાં, પંજાબ સરકારે ઘરેલું ગ્રાહકો માટે વીજળીના દરમાં 3 રૂપિયા પ્રતિ યુનિટનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. સરકારે કહ્યું હતું કે આ નિર્ણયથી સરકારની તિજોરી પર દર વર્ષે 3,316 કરોડ રૂપિયાનો બોજ પડશે. આ સિવાય પંજાબ સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં 11 ટકા વધારાની જાહેરાત કરી હતી.

(1:04 am IST)