Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું ? : કાલે રક્ષા મંત્રીને સોંપવામાં આવશે રિપોર્ટ

એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં તપાસ : આર્મી અને નેવીના બે બ્રિગેડિયર રેન્કના અધિકારીઓનો ટીમમાં સમાવેશ

નવી દિલ્હી :CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ કેસની તપાસનો રિપોર્ટ રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપવામાં આવશે. ભારતીય વાયુસેનાના નેતૃત્વમાં આ મામલાની તપાસ કરી રહેલી ટ્રાઇ-સર્વિસ ઇન્વેસ્ટિગેશન ટીમ બુધવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહને રજૂઆત કરશે અને તેનો રિપોર્ટ સુપરત કરશે.

ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 12 સૈનિકો 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. આ પછી એરફોર્સે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ ટીમનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરી રહ્યા છે અને તેમાં આર્મી અને નેવીના બે બ્રિગેડિયર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે

રક્ષા મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે રક્ષા મંત્રીને પ્રેઝન્ટેશન દરમિયાન ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ તેમજ સંરક્ષણ મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. સૂત્રોનું કહેવું છે કે, મામલાની તપાસ કરી રહેલી ટ્રાઈ-સર્વિસ ટીમે વરિષ્ઠ અધિકારીઓને લઈ જતા હેલિકોપ્ટરની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયામાં સુધારો કરવાની પણ ભલામણ કરી છે.

8 ડિસેમ્બરે જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 આર્મી ઓફિસર Mi-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતા. આ તમામ લોકો વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા, અહીં પહોંચવાની થોડી મિનિટો પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું.

જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના મૃત્યુની માહિતી વાયુસેનાએ સાંજે 6.03 કલાકે આપી હતી. આ પછી, ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા. કેટલાક અહેવાલોમાં એવું માનવામાં આવે છે કે આ દુર્ઘટના પાછળ ખરાબ હવામાન પણ એક કારણ હોઈ શકે છે.

જો કે એરફોર્સનો તપાસ અહેવાલ બહાર આવ્યા બાદ જ અકસ્માતનું નક્કર કારણ બહાર આવશે. તે જ સમયે, અકસ્માતની તપાસના આદેશ આપ્યા બાદ બ્લેક બોક્સ પણ મળી આવ્યું હતું. બ્લેક બોક્સને ફ્લાઈટ ડેટા રેકોર્ડર પણ કહેવામાં આવે છે. બ્લેક બોક્સની રિકવરી સાથે માનવામાં આવી રહ્યું હતું કે આ કેસમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે.

(12:00 am IST)