Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

S-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ડીલ મુદ્દે યુએસની ચેતવણી

અમેરિકા હવે ભારત પર અકળાયું : ભારત દ્વારા રશિયા પાસેથી એસ-૪૦૦ સિસ્ટમ ખરીદવાના કારણે અમેરિકા હવે પ્રતિબંધ લગાવી શકે છે

વોશિંગ્ટન,તા. : ભારતનું રશિયા સાથેની રક્ષા ડીલમાં આગળ વધવું અમેરિકાને જરાય પસંદ આવી રહ્યું નથી. અમેરિકી કોંગ્રેસના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત દ્વારા રશિયા પાસેથી એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના કારણે અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવી શકે છે. અમેરિકી કોંગ્રેસની સ્વતંત્ર શોધ શાખા 'કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસએ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં કહ્યું છે કે ભારત ટેક્નોલોજી ક્ષેત્રમાં ભાગીદારી અને મળીને ઉત્પાદન કરનારી યોજનાઓ અંગે ઉત્સુક છે. જ્યારે અમેરિકા ભારતની રક્ષાનીતિમાં કઈંક વધુ સુધારાની અપેક્ષા રાખે છે. સાથે તે ઈચ્છે છે કે ભારત પોતાના રક્ષા ક્ષેત્રમાં વિદેશી રોકાણને લઈને લચીલું વલણ અપનાવે. રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે એસ-૪૦૦ ડીલના કારણે અમેરિકા કાઉન્ટિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ એટલે કે પ્રતિબંધો દ્વારા મુકાબલો કરવાના સંબંધિત કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે.

આમ તો સીઆરએસ રિપોર્ટ અમેરિકી કોંગ્રેસનો અધિકૃત રિપોર્ટ હોતો નથી. તે સ્વતંત્ર વિશેષજ્ઞો દ્વારા સાંસદો માટે તૈયાર કરવામાં આવે છે. જેથી કરીને તેઓ બધુ સમજી લીધા બાદ સમજી વિચારીને નિર્ણય લઈ શકે. આમ છતાં રિપોર્ટમાં ભારત-રશિયા ડીલને લઈને અપાયેલી ચેતવણી ચિંતાનો વિષય જરૂર છે. ભારત અને રશિયા રણનીતિક ભાગીદાર છે અને ભારત પોતાની રક્ષા જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા સાથે ડીલ કરતું આવ્યું છે. ઓક્ટોબર ૨૦૧૮માં ભારતે ટ્રમ્પ પ્રશાસનની ચેતવણીને નજરઅંદાજ કરીને ચાર એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા રશિયા સાથે પાંચ અબજ ડોલરની ડીલ કરી હતી.

જેની  પહેલા હપ્તા તરીકે ભારતે ૨૦૧૯માં રશિયાને ૮૦ કરોડ ડોલરની ચૂકવણી પણ કરી હતી. અમેરિકાની ચેતવણી ભારત માટે ચિંતાનો વિષય એટલા માટે પણ છે કારણ કે થોડા સમય પહેલા અમેરિકાએ  સિસ્ટમ ખરીદનારા તુર્કી પર પ્રતિબંધ લગાવ્યા છે. જો કે ભારત સાથેના સંબંધો તુર્કીની સરખામણીએ વધુ સારા છે, પરંતુ જો બાઈડેન ભારત માટે શું વલણ ધરાવે છે, તે તો પછી ખબર પડશે. આમ તો રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાની ધમકીઓની ડીલ પર કોઈ અસર પડશે નહીં. ગત મહિને રશિયાએ કહ્યું હતું કે અમેરિકાના પ્રતિબંધોની ધમકીઓ છતાં એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમની પહેલી ખેપ સમયસર પૂરી થશે. અત્રે જણાવવાનું કે એસ-૪૦૦ રશિયાની અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ છે.

(7:32 pm IST)