Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

દેશભરમાં રસીકરણ અંગે સરકારની મોટી જાહેરાત : 13 અથવા 14 મીએ કોરોના રસીનો કાર્યક્રમ શરૂ

પ્રથમ ફેઝમાં 3 કરોડ લોકોને રસી અપાશે: 10 દિવસની અંદર કોરોના રસીને રોલઆઉટ કરવા તૈયાર કરશે: દેશભરમાં આશરે 29000 કોલ્ડ ચેન પોઇન્ટ

કોરોના વેક્સિન અંગે છેલ્લા કેટલાક દિવસથી જાગેલ વિવાદની વચ્ચે મંગળવારે કેન્દ્ર સરકારે દેશભરમાં રસીકરણ અંગે મોટી જાહેરાત કરી દીધી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના રસીને મંજૂરી મળવાના 10 દિવસ બાદ તે રોલ આઉટ (રસીકરણ માટે આપવી) થઇ શકે છે. હવે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ 3 જાન્યુઆરીએ રવિવારે રસીને મંજૂરી આપી દીધી હતી. તે હિસાબે 13 કે 14 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીનો કાર્યક્રમ શરૂ થઇ શકે છે. આરોગ્ય સચિવે આ અંગેની માહિતી આપી છે.

મંગળવારે એક પત્રકાર પરિષદમાં સંબોધન કરતા આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે સરકાર 10 દિવસની અંદર કોરોના રસીને રોલઆઉટ કરવા તૈયાર કરશે

નોંધનીય છે કે રવિવારે 3 જાન્યુઆરીના રોજ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ AstraZeneca અને ઓક્સફોર્ડની વેક્સિન કોવિશીલ્ડ તેમજ ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી હતી.

સરકારે જાહેરાત પ્રમાણે પ્રથમ ફેઝમાં દેશના 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે. જેમાં આરોગ્યકર્મી, ફ્રન્ટલાઇન વર્કર્સ અને 50 વર્ષથી વધુની વયના લોકોનો સમાવેશ થાય છે.

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે દેશમાં 4 પ્રાથમિક વેક્સિન સ્ટોર હાજર છે. જે કરનાલ, મુંબઇ, ચેન્નાઇ અને કોલકાતામાં છે. તેમજ દેશમાં 37 વેક્સિન કેન્દ્ર પણ છે. અહીં રસી સ્ટોર કરી શકાશે. પછી ત્યાંથી વેક્સિનને જથ્થામાં જિલ્લાસ્તરે પહોંચાડવામાં આવશે. જ્યાંથી આ રસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફ્રીઝર ડબામાં મોકલવામાં આવશે. જ્યાં રસી લોકોને આપવામાં આવશે.

આરોગ્ય સચિવે વધુ માહિતી આપતા જણાવ્યું કે દેશભરમાં આશરે 29000 કોલ્ડ ચેન પોઇન્ટ છે. જ્યાં આ રસીને સુરક્ષિત સ્ટોર કરી શકાશે.

નોંધનીય છે કે ભારતે વિશ્વના જરૂરિયાતમંદ દેશોને પણ રસી આપવાનો ભરોસો આપ્યો છે. આરોગ્ય સચિવે આ અંગે કહ્યું કે ભારતે અત્યારે કોરોના રસીની નિકાસ પર કોઇ નિયંત્રણ કે પ્રતિબંધ મૂક્યા નથી.

(8:38 pm IST)