Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

શાબ્દિક જંગ બાદ ભારત બાયોટોક અને સીરમ ઇન્સ્ટીટ્યૂટે સાથે મળીને કામ કરવા લીધો નિર્ણય

બંનેએ મતભેદ ભૂલીને સંયુક્ત નિવેદનમાં સમગ્ર દેશમાં કોરોના વેક્સિન યોગ્યરીતે પહોંચાડવાની વાત કરી

નવી દિલ્હી : કેટલાક દિવસોથી કોરોના રસી મામલે શાબ્દિક જંગમાં લાગેલા ભારત બાયોટોક અને સીરમ ઇન્સ્ટીટ્યૂટે બધા મતભેદ ભૂલી સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે.ભારતમાં કોરોના વેક્સિન બનાવનારી કંપનીઓ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા એને ભારત બાયોટેકે મંગળવારે એક સંયુક્ત નિવેદન જારી કર્યુ. જેમાં બંનેએ સમગ્ર દેશમાં કોરોના વેક્સિન યોગ્યરીતે પહોંચાડવાની વાત કરી છે.

આ સંયુક્ત નિવેદન એવા સમયે આવ્યો છે, જ્યારે બંને કંપનીના અધિકારીઓ છેલ્લા કેટલાક દિવસોથી એક બીજા સામે આરોપ પ્રતિઆરોપ મૂકી રહ્યા હતા. જેના કારણે દેશમાં ઘણો વિવાદ પણ સર્જાયો. હતો પરંતુ મંગળવારે અચાનક બંને કંપનીઓએ એક સંયુક્ત નિવેદન જારી કર્યું. જેમાં બંને કંપીનીના “અદાર પૂનાવાલા અને કૃષ્ણા ઇલ્લાએ દેશમાં કોરોના વેક્સિનને બનાવવા, સપ્લાય કરવા અને વિશ્વભરમાં પહોંચાડવા અંગે ચર્ચા કરી. બંને સંસ્થાનું માનવું છે કે આ સમય ભારત અને વિશ્વના લોકોનો જીવ બચાવવા જ મોટું લક્ષ્ય છે.”

સંયુક્ત નિવેદનમાં જણાવાયું કે હવે જ્યારે ભારતમાં બંને રસીને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. તો અમારું ફોકસ રસી બનાવવા, તેની સપ્લાય અને વહેંચવા પર છે. અમારા સંસ્થાન દેશહિતમાં આ કામને પહેલાંની જેમ જ કરતા રહેશે અને આગળ વધશે.નિવેદનના અંતમાં કહેવામાં આવ્યું છે કે બંને કંપનીઓ દેશ અને દુનિયામાં એક સાથે કોરોના વેક્સિન પહોંચાડવાના સોગંધ લે છે.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી સીરમ ઇન્સ્ટીટ્યૂટના અદાર પૂનવાલા અને ભારત બાયોટેકના કૃષ્ણા ઇલ્લા વચ્ચે નિવેદનબાજી ચાલી રહી હતી. જેને પગલે વિવાદ થવા માંડ્યો હતો. પરંતુ મંગળવારે બપોરે અદાર પૂનાવાલાએ પહેલા માહિતી આપી કે ટુંકમાં જ સમગ્ર વિવાદ અંગે એક નિવેદન જારી કરાશે.

વાસ્તવમાં જ્યારે ભારત બાયોટેકની રસીને મંજૂરી આપવામાં આવી ત્યારે સીરમ ઇન્સ્ટીટ્યૂટના અદાર પૂનાવાલાએ માત્ર ઓક્સફોર્ડ, મોડર્ના અને ફાઇઝરની રસીને જ સુરક્ષિત ગણાવી હતી અને અન્ય રસીને પાણીની જેમ ગણાવતું નિવેદન કર્યું કર્યું હતું.

દેખીતી રીતે આ નિવેદન ભારત બાયોટેકને પસંદ ન પડ્યું અને તેના જવાબમાં તેના કૃષ્ણા ઇલ્લાએ કહ્યું કે “અમને આવા નિવેદનની આશા નહતી. અમે અમારુ કામ પ્રામાણિકતાથી કર્યું છે, પરંતુ કોઇ અમારી વેક્સિનને પાણી કહે તો તે અમને સહેજ પણ મંજૂર નથી. અમે પણ વિજ્ઞાની છીએ, જે પોતાનું કામ જાણે છે.”

રસી નિર્માતાઓના આ શાબ્દિક જંગ સામે ઘણા રાજ્ય સરકારોએ ચિંતા વ્યક્ત કરી હતી. સાથે કેન્દ્ર સરકારને દખલ કરવાની વિનંતી કરી હતી

(7:13 pm IST)