Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ગૂગલના કર્મચારીઓએ ચૂપચાપ બનાવ્યુ યુનિયન

ઓકલેન્ડ, તા. ૫ :. ગૂગલના ૨૨૫ એન્જીનીયરો અને કર્મચારીઓએ સેન ફ્રાન્સીસ્કોમાં કર્મચારી યુનિયન બનાવ્યુ છે. અમેરિકાની ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીઝમાં યુનિયન અંગેના આ સમાચાર સૌ પ્રથમ છે. કંપનીઓ યુનિયન બનવા દેતી નથી. આવા કોઈપણ પ્રયાસને દાબી દે છે. આ કારણે જ ગૂગલના કર્મચારીઓએ ગુપ્તતા સાથે યુનિયન બનાવ્યુ અને ડિસેમ્બરમાં પદાધિકારીઓની ચૂંટણી કરી માલિકીની કંપની આલ્ફાબેટના નામ પરથી આલ્ફાબેટ વર્કર્સ યુનિયન નામ રાખવામાં આવ્યું છે.

ગૂગલમાં આશરે ૨.૬૦ લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ પૈકી માત્ર ૨૨૫નું યુનિયન ખૂબ જ નાનુ પણ એક નવી શરૂઆતરૂપ માનવામાં આવે છે. યુનિયન ઉપપ્રમુખ એન્જીનીયર ચીવી શોએ કહ્યું યુનિયનની રચના મારફત કર્મચારીઓના કાર્યસ્થળ સાથે જોડાયેલા પ્રશ્નો દૂર થઈ શકશે. તેમનુ કાર્ય પગારથી લઈ મોટા સ્તર સુધી પ્રભાવ પાડનારા મુદ્દાઓના સમાધાનનું રહેશે. ગૂગલની પીપલ્સ ઓપરેશન નિર્દેશક કારા સિલ્વરસ્ટીનએ કહ્યું કે સંસ્થાએ કર્મચારીઓ માટે હંમેશા સહયોગપૂર્ણ અને કમાણી આપનારૂ વાતાવરણ બનાવવાની કોશિષ કરી છે. કર્મચારીઓ શ્રમ કાનૂન હેઠળ આવે છે, પરંતુ કંપની ખુદ તેમની સાથે વાત કરી સમાધાન કાઢતી આવી છે.

સોફટવેર કંપનીઓમાં પગારનો મુદ્દો નથી હોતો. કારણ કે અહીંયા પગાર સારા હોય છે. પરંતુ કર્મચારીઓ અને પ્રબંધકો વચ્ચે અવારનવાર સમાજ, રાજનિતિ અને વૈચારીક વિવાદો સામે આવે છે. આ મુદ્દાઓમાં યૌનશોષણ અને ભેદભાવ સામેલ છે.

ગૂગલમાં યુનિયન ઈન્ટરનેટ સર્ચ પરિણામોમાં ભેદભાવ જેવા મુદ્દા પ્રબંધકો સામે ઉઠાવે તેવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.

પહેલા પણ સંગઠન રચવાના જુસ્સા ઉઠી ચૂકયા છે

૨૦૧૮માં ગૂગલના ૨૦ હજાર કર્મચારીઓ એક સાથે કચેરીમાંથી બહાર નિકળી આવ્યા હતા અને સંસ્થાન દ્વારા યૌન શોષણ જેવા મુદ્દાઓ ઉપર લેવામા આવી રહેલા સ્ટેન્ડ સામે વિરોેધ વ્યકત કર્યો હતો.

જ્યારે ગૂગલે રક્ષા ક્ષેત્રોમાં આર્ટીફીશ્યલ ઈન્ટેલીજેન્સ ઉપર કામ કરવાનું શરૂ કર્યુ ત્યારે કર્મચારીઓએ આ બાબતને અનૈતિક ગણાવી અંદરોઅંદર વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

અમેરિકી કસ્ટમ્સ વિભાગે ગૂગલ સાથે આર્ટીફીશ્યલ ટેકનીક સાથેનો પ્રોજેકટ શરૂ કર્યો ત્યારે કર્મચારીઓએ ફરી વિરોધ શરૂ કર્યો હતો.

(3:19 pm IST)