Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ફારૂકીએ કોઇનું અપમાન કર્યુ નથી : વકીલ અંશુમાન

તેઓ પક્ષીય રાજકારણનો ભોગ બન્યા છે : બચાવ પક્ષ દ્વારા નવી જામીન અરજી દાખલ

ઇન્દોર તા. ૫ : મધ્યપ્રદેશના ઇન્દોરમાં ૫૬ દુકાનો સાથેના કાફેમાં ગત શુક્રવારે યોજાયેલ એક કાર્યક્રમમાં હાસ્ય કલાકાર ફારૂકીના સંવાદો પર સવાલ ઉઠાવી ભાજપના સ્થાનિક ધારાસભ્યના દિકરાની ફરીયાદના આધારે ફારૂકી અને અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ત્યારે બચાવ પક્ષના વકીલ અંશુમાન શ્રીવાસ્તવે જણાવ્યુ છે કે યુવા હાસ્યકલાકાર સામે લગાવવામાં આવેલ આરોપી સ્પષ્ટ નથી. તેમના સંવાદોમાં કઇ જ વાંધાજનક નથી. તેઓ માત્ર પક્ષીય રાજકારણનો ભોગ બન્યા છે. ધરપકડ બાદ તેઓ કાનુની હીરાસતમાં છે. શહેરની કોર્ટ તેમની જામીન અરજી રદ કરી ચુકી છે. પરંતુ તેને પડકારી આરોપી તરફથી નવી જામની અરજી સોમવારે અદાલતમાં દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ફારૂકી સામે હિન્દુ દેવી દેવતાઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ ગોધરા કાંડને લઇને અભદ્ર ભાષા પ્રયોગ કરવામાં આવ્યાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સામે પોલીસ અધિક્ષકે એવુ જણાવ્યુ છે કે અમે હાસ્ય કાર્યક્રમના વીડીયો ફુટેજ મંગાવ્યા છે. તે નિહાળ્યા પછી જ નકકી કરી શકાશે કે કયા કલાકાર શું બોલ્યા છે.

આમ હાસ્ય કલાકાર ફારૂકીના સંવાદોનો મામલાએ ભારે રહસ્ય સર્જી દીધુ છે.

(3:17 pm IST)