Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

દેશમાં કોરોના નવા સ્ટ્રેનના વધુ ૨૦ દર્દી મળ્યા : કુલ આંક ૫૮

તમામને આઇસોલેટ કરાયા : ચિંતાનું મોજુ

નવી દિલ્હી તા. ૫ : ભારતમાં કોરોના વાયરસ સામેની એક સાથે બે રસીને મંજૂરીથી હાલ રાહત મળી છે. પરંતુ બ્રિટનથી આવતા પ્રવાસીઓમાં કોરોનાના નવા ઘાતક સ્ટ્રેનના કેસો મળવાથી ભારતની ચિંતામાં વધારો થઈ શકે છે. દેશમાં બ્રિટનના નવા સ્ટ્રેનના કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રિટનથી પરત ફરેલા વધુ ૨૦ લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો મળ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસોનો આંક વધીને ૫૮ પર પહોંચ્યો છે.

દેશમાં હાલમાં કોરોનાના કેસોની સ્થિતિ કાબૂમાં છે પરંતુ યુકેના નવા સ્ટ્રેનના કેસો સામે આવી રહ્યા હોવાથી નિષ્ણાતોની ચિંતા વધી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ યુકેનો કોરોના સ્ટ્રેન ૭૦ ટકા વધુ ઘાતક છે અને ઝડપથી સંક્રમણ ફેલાવે છે. કેટલાક નિષ્ણાંતોએ એવો વિશ્વાસ વ્યકત કર્યો છે કે કોરોનાની રસી આ નવા સ્ટ્રેન સામે પણ રક્ષણ પુરું પાડશે. નોંધનીય છે કે કોરોનાના યુકેના સ્ટ્રેનને પગલે બ્રિટનના વડાપ્રધાન બોરિસન જોનસને સમગ્ર દેશમાં લોકડાઉન વધુ સાત સપ્તાહ સુધી લંબાવ્યું છે. જરૂરી ચીજવસ્તુઓને બાદ કરતા બ્રિટનમાં કોઈને પણ બહાર નહીં નિકળવા જણાવાયું છે.

ભારતમાં મળેલા યુકેના કોરોનાના નવા સ્ટ્રેનના પરિણામ ઈન્ડિયન Sars-CoV-2 જીનોમિકસ કન્સોર્ટિયમની લેબોરેટરીમાં મેળવવામાં આવ્યા છે. કોરોનાના નવા વાયરસની ઓળખ માટે જીનોમ સિકવન્સિંગ માટે દેશમાંહાલ ૧૦ લેબ કાર્યરત છે જે બેંગલુરૂ, કોલકાતા, ભુવનેશ્વર, પૂણે, હૈદરાબાદ કાર્યરત છે.

દેશમાં છેલ્લા એક મહિનાના ગાળામાં યુકેથી આવેલા તમામ ૩૩ હજાર જેટલા પેસેન્જર્સના કોરોના સેમ્પલનું નવા સ્ટ્રેનની ઓળખ માટે લેબમાં તપાસ કરવામાં આવી રહ્યું છે. તમામ મુસાફરોને ટ્રેસ કરીને તેમના સેમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે. જે લોકોમાં યુકેના કોરોનાના નવા સ્ટ્રેન પોઝિટિવ મળે છે તેમને આઈસોલેટ કરી દેવામાં આવે છે આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ ઓળખ કરી તેમનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

(3:09 pm IST)