Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કોરોના બાદ બર્ડ ફલુનો આતંક

હિમાચલ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશમાં એલર્ટઃ કેરળમાં રાજકીય કટોકટી જાહેર કરાઇ : કોરોના સંક્રમણથી થોડી ચિંતા હળવી થઈ છે ત્યાં હવે બર્ડ ફલુએ ચિંતા વધારીઃ અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોતથી ખળભળાટઃ હરીયાણામાં ૧ લાખ મરઘીઓના મોતથી ચિંતા : અનેક રાજ્યોમાં ચિકન-ઇંડાના વેંચાણને માઠી અસર

નવી દિલ્હી, તા. ૫ :. દેશ હજુ કોરોનાની મહામારીમાંથી બહાર આવ્યો નથી ત્યાં એક નવુ સંકટ ઉભુ થઈ ગયુ છે. દેશના પાંચ રાજ્યોમાં બર્ડ ફલુનું સંકટ ઝળુંબી રહ્યુ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને કેરળમાં હજારો પક્ષીઓના મોતે ચિંતા વધારી દીધી છે. કેટલાક સ્થળોએ માર્યા ગયેલા પક્ષીઓમાં બર્ડ ફલુની પુષ્ટી થઈ ચુકી છે. એટલે કે એક તરફ કોરોના સંકટથી નિપટવા માટે વેકસીન પર ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ બર્ડ ફલુએ પ્રસાશનથી લઈને સ્વાસ્થ્ય વિભાગને ચિંતામા મુકી દીધુ છે. ચિંતાની વાત એ છે કે બન્ને બિમારીઓના લક્ષણ એકબીજા સાથે મળતા આવે છે.

હરીયાણાના પોલ્ટ્રી હબ ગણાતા અંબાલા અને પંચકુલામાં ૧ લાખ મુરઘીઓના મોત થયા છે. તેના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. ઉત્તરથી દક્ષિણ સુધીમાં અચાનક હજારો પક્ષીઓના મોતથી ખળભળાટ મચી ગયો છે. કાગડા, બતક, મરઘી, બગલાના મોતને લઈને રાજસ્થાન, એમપી, હિમાચલ, ગુજરાત, મધ્યપ્રદેશ વગેરે સ્થળોએ ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાનમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.

મરેલા કાગડાઓમાં ઘાતક વાયરસ જણાયા બાદ રાજસ્થાન, ગુજરાત, મ.પ્રદેશની સરકારે એલર્ટ જાહેર કરેલ છે. મધ્યપ્રદેશમાં પણ એલર્ટ ઉપરાંત સતર્ક રહેવા સલાહ આપવામાં આવી છે.

કેરળમાં કોટાયમ અને અલપુજા જિલ્લાઓમાં ૧ કિ.મી.ના વિસ્તારમાં બતક, મરઘી અને અન્ય પક્ષીઓને મારવાના આદેશો અપાયા છે. વાયરસનો પ્રસાર

અટકાવવા ૪૦,૦૦૦ પક્ષીઓને મારવા જરૂરી છે.

કેરળમાં રાજકીય કટોકટી જાહેર કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં ૩૭૬ કાગડાના મોત થયા છે. હિમાચલમાં કાંગડાના પોંગડેમમા હજારોની સંખ્યામાં માર્યા ગયેલા પ્રવાસી પક્ષીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કારણ બર્ડ ફલુ છે. હરીયાણામાં મોટી સંખ્યામાં મરઘીઓના મોત થયા છે.

ગુજરાતના જૂનાગઢમાં પણ બર્ડ ફલુનો ખતરો મંડરાઈ રહ્યો છે. માણાવદરના બાંટવા નજીક એક સાથે ૫૩ પક્ષી મરેલી હાલતમાં મળી આવ્યા છે. તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં બર્ડ ફલુના કેસ મળ્યા છે. રાજ્ય સરકારોએ એલર્ટ જાહેર કરેલ છે. જેમા બિહાર, ઝારખંડ, ઉતરાખંડમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જાણવા મળેલ છે કે આ વાયરસથી થનારી બિમારીથી પક્ષી જ નહિ મનુષ્ય પણ પ્રભાવિત થઈ શકે છે. એવામાં હિમાચલમાં માછલી, મરઘા તથા ઈંડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બર્ડ ફલુના લક્ષણ સામાન્ય રીતે સામાન્ય ફલુ જેવા હોય છે. આ એવો ફલુ છે જે પક્ષીના ફેફસા પર પ્રહાર કરે છે. તેનાથી ન્યુમોનીયાનો ખતરો વધી જાય છે.

હરીયાણામાં એક લાખથી વધુ પોલ્ટ્રી પક્ષીઓના મોતના અહેવાલ છે.

(3:03 pm IST)