Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

નવા સંસદ ભવનના નિર્માણને સુપ્રીમ કોર્ટની લીલીઝંડી

જસ્ટિસ એ.એમ.ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચે ચુકાદો આપ્યો

નવી દિલ્હી તા. ૫ : સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચે ચુકાદો સંભળાવ્યો. લ્યુટિયન્સ ઝોનમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટના નિર્માણને પડકારતી પિટિશનમાં પર્યાવરણીય મંજૂરી સહિતના અનેક મુદ્દાઓ ઉભા થયા હતા. આ અગાઉ સુપ્રીમ કોર્ટે ૭ ડિસેમ્બરે ૧૦ ડિસેમ્બરે નવા સંસદ ભવન માટેના શિલાન્યાસની મંજૂરી આપી હતી, પરંતુ નિર્દેશ પણ આપ્યો હતો કે ત્યાં કોઈ બાંધકામ નહીં થાય.

જસ્ટિસ એ.એમ.ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટનો શિલાન્યાસ કરી શકે છે, પરંતુ તેના માટે કોઈ બાંધકામ, ડિમોલિશન અથવા વૃક્ષો કાપવામાં નહીં આવે. સરકારને એવી ખાતરી પણ આપવામાં આવી હતી કે પેન્ડિંગ પિટિશન અંગેના નિર્ણય પહેલાં કોઈ બાંધકામ કે ડિમોલિશનનું કામ નહીં થાય. ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ ડિસેમ્બરે નવા સંસદ ભવનના નિર્માણનો શિલાન્યાસ કર્યો અને ૨૦,૦૦૦ કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટના ભાગરૂપે 'ભૂમિ પૂજન' કર્યું. બેંચમાં જસ્ટીસ દિનેશ મહેશ્વરી અને સંજીવ ખન્ના પણ છે. કોર્ટે ગયા વર્ષે ૫ નવેમ્બરના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

કોર્ટ આ દરમિયાન તય કરશે કે પ્રોજેકટ કાયદા અનુસાર છે કે કેમ તેને રોકવું કે નહીં. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે આ પ્રોજેકટથી પૈસાની બચત થશે. આ પ્રોજેકટ વાર્ષિક ૨૦ હજાર કરોડનો બચાવ કરશે, જે કેન્દ્ર સરકારના મંત્રાલયો માટે ભાડા તરીકે ચૂકવવામાં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે નવું સંસદ ભવન બનાવવાનો નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો નથી અને આ પ્રોજેકટ માટે કોઈ પણ કાયદા કે ધારાધોરણનો ભંગ કરવામાં આવ્યો નથી.

(12:41 pm IST)