Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સરકારે રાજ્યોને GST વળતરના 6,000 કરોડ રૂપિયાનો દસમો હપ્તો જાહેર કર્યો

અત્યાર સુધીમાં 60,000 કરોડ રૂપિયા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજૂ કરાયા

નવી દિલ્હી : નાણાં મંત્રાલયે રાજ્યોના ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વળતરમાં થયેલા ઘટાડાની ભરપાઇ માટે સોમવારે દસમા સાપ્તાહિક હપ્તાને 6,000 કરોડ જાહેર કર્યા હતા. અત્યાર સુધીમાં 60,000 કરોડ રૂપિયા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજૂ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, જીએસટીના અમલીકરણને કારણે કેન્દ્રોએ રાજ્યોની આવકમાં આશરે રૂ.1.10 લાખ કરોડ ઘટાડાની ભરપાઇ માટે ઓક્ટોબરમાં એક વિશેષ લોન સુવિધા શરૂ કરી હતી. આ સુવિધા અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વતી કેન્દ્ર દ્વારા લોન લેવામાં આવે છે.

નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આમાંથી 23 રાજ્યોને રૂ .5,516.60 કરોડ જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને પુડુચેરીને 483.40 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. "

બાકીના પાંચ રાજ્યો અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમમાં જીએસટીના અમલીકરણથી તેમની આવકમાં કોઈ ઘટાડો થયો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ અઠવાડિયામાં લોન 4.15 ટકા વ્યાજે લેવામાં આવી છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે આ સુવિધા હેઠળ 4.68 ટકાના વ્યાજ પર 60,000 કરોડની લોન લીધી છે.

અત્યાર સુધી, કેન્દ્ર દ્વારા 23 ઓક્ટોબર, 2 નવેમ્બર, 9 નવેમ્બર, 23 નવેમ્બર, 1 ડિસેમ્બર, 7 ડિસેમ્બર, 14 ડિસેમ્બર, 21 ડિસેમ્બર, 28 ડિસેમ્બર 2020 અને 4 જાન્યુઆરી 2021 ના રોજ રાજ્યોને હપ્તા જાહેર કરવામાં આવ્યા છે.

(11:47 am IST)