Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વેકસીન પર રાજકારણ

કોવેકસીનને 'પાણી' તરીકે ઓળખાવાતા ભારત બાયોટેકના વૈજ્ઞાનિકનું દર્દ છલકયું

કેટલાક લોકો થકી વેકસીનનું રાજનીતિકરણ કરાય છે જે બંધ કરોઃ ડો. ઇલ્લા

હૈદ્રાબાદ, તા.૫: ભારતમાં કોરોના વાયરસ સામે બે રસીનો ઇમર્જન્સી ઉપયોગ કરવાની મંજૂરી મળ્યા બાદ ભારતમાં રાજકારણે જોર પકડ્યું છે. આ દરમિયાન હૈદરાબાદના ભારત બાયોટેકના સીએમડી ક્રિષ્ના ઇલ્લા નું દર્દ સામે આવ્યું છે. તેમણે કેટલીક કંપનીઓ પર કોવેકસીન ને 'પાણી'ગણાવતા નારાજગી વ્યકત કરી હતી અને કહ્યું હતું કે અમારી નારાજગી વ્યકત કરતાં કહ્યું હતું કે કોઇપણ અમારી વેકસીન ટ્રાયલ પર પ્રશ્ન ના ઉઠાવે. તેમણે કહ્યું કે કોવેકિસન બેકઅપ નથી. કેટલાક લોકો દ્વારા રસીનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આના પર કોઈ રાજકારણ ના થવું જોઈએ.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાનું નામ લીધા વિના કૃષ્ણા ઇલ્લાએ કહ્યું કે અમે ૨૦૦ ટકા ઇમાનદાર કિલનિકલ ટ્રાયલ કરીએ છીએ અને હજી પણ અમને બેકલેશ મળે છે. જો હું ખોટો હોઉં તો મને કહો. કેટલીક કંપનીઓએ અમારી રસીને 'પાણી' જેવી ગણાવી છે. હું તેમને ના પાડવા માંગુ છું. આપણે વૈજ્ઞાનિકો છીએ. અમારા ટ્રાયલ પર કોઈ પ્રશ્નો ના કરશો.

વાત એમ છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ રવિવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોરોનાની સામે માત્ર ત્રણ રસી જ અસરકાર છે. ફાઈઝર, મોડર્ના અને ઓકસફોર્ડ-એસ્ટ્રાઝેનેકા અને બાકીની માત્ર 'પાણીની જેમ સલામત'છે.

ક્રિષ્ના ઇલ્લાએ કહ્યું કે અમેરિકા અને યુરોપે યુકેની એસ્ટ્રાઝેનેકા-ઓકસફર્ડ રસી માટેના પરીક્ષણ ડેટાને મંજૂરી આપવાની ના પાડી દીધી હતી કારણ કે તે સ્પષ્ટ નહોતું પરંતુ કોઇએ પણ ઓકસફર્ડ રસીના ડેટા પર કોઈ પ્રશ્ન ઉઠાવી રહ્યું નથી.

'સલામત અને અસરકારક રસી ઉત્પાદનનો અમારો રેકોર્ડ'

કૃષ્ણા ઇલ્લાએ કહ્યું કે અમારી પાસે સલામત અને અસરકારક રસી ઉત્પાદનનો રેકોર્ડ છે. રસીનો તમામ ડેટા પારદર્શક છે. ભારત બાયોટેકના પ્રમુખ કૃષ્ણા ઇલ્લાએ જણાવ્યું હતું કે રસીના પૂરતા ડેટા જાહેર થઈ ચૂકયા છે. લોકો માટે ડેટા ઓનલાઇન ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે આ રસીને એટલા માટે નિશાન બનાવામાં આવી રહી છે કારણ કે આ એક ભારતીય કંપનીનું ઉત્પાદન છે. આપને જણાવી દઈએ કે કોવેકસીનની મંજૂરી પર ઉદ્યોગના નિષ્ણાતો અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે અને ત્રીજા તબક્કાના ડેટાના હોવા પર ચિંતા વ્યકત કરી છે.

તેમણે કહ્યું કે કોવેકિસન મેડિકલ આવશ્યકતાઓને પૂરી કરે છે. તેણે શ્રેષ્ઠ પરિણામો આપ્યો છે. તેના ઉપયોગથી રોગ પ્રતિકારક્ષમતા ઝડપથી વધે છે. તેમણે કહ્યું કે કોવેકિસનની ટ્રાયલના ત્રીજા તબક્કાથી સંબંધિત ડેટા માર્ચ સુધીમાં ઉપલબ્ધ થશે. ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે વચગાળાનું વિશ્લેષણ હજુ સુધી કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું અમે ૨૦૦ ટકા ઇમાનદારીતી કિલનિકલ ટ્રાયલ કરીએ છીએ અને છતાં અમારી ટીકા થઈ રહી છે. તેમણે કહ્યું કે ભારત બાયોટેક રસી ફાઇઝરની રસી કરતાં હલકી ગુણવત્તાવાળી નથી. તેમણે કહ્યું હતું કે ભારતીય કંપનીઓને નિશાન બનાવવામાં આવી રહી છે અને તેમને 'ખરાબ'કહેવામાં આવી રહ્યા છે.

ઇલ્લાએ કહ્યું કે ભારત બાયોટેકનો ડેટા પારદર્શક નથી તે કહેવું ખોટું છે. ટીકાકારોને જવાબ આપતા તેમણે કહ્યું કે ઇન્ટરનેટ પર રસીના ડેટાના સંબંધમાં પ્રકાશિત થયેલા લેખો વાંચવા જોઈએ. કંપનીના પ્રકાશનોની સંખ્યા ગણીને તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય જર્નલમાં અત્યાર સુધીમાં ૭૦થી વધુ લેખ પ્રકાશિત થયા છે.

ભારત સરકારે ઇમરજન્સી ઉપયોગ માટે રસીને મંજૂરી આપી છેઃ ઇલ્લા

કૃષ્ણા ઇલ્લાએ કહ્યું કે ભારત બાયોટેક રસીનો ઇમરજન્સી ઉપયોગ ભારત સરકારના ૨૦૧૯ના નિયમોના આધારે આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ભારત બાયોટેકે સૌ પ્રથમ ઝીકા વાયરસની શોધી કાઢ્યો હતો. ભારત બાયોટેક ઝિકા અને ચિકનગુનિયા રસી માટે વૈશ્વિક પેટન્ટ ફાઇલ કરનાર પહેલી કંપની છે.

'ભારત બાયોટેક રસીને ફકત બેકઅપ તરીકે ઇમર્જન્સી માટે મંજૂરી'

વિવાદની વચ્ચે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના ડિરેકટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે ભારત બાયોટેક રસીને ફકત ઇમરજન્સી 'બેકઅપ'તરીકે મંજૂરી આપવામાં આવી છે. ગુલેરિયાએ દાવાને નકારી કાઢ્યો હતો કે સમગ્ર રસી પ્રક્રિયાને 'ફાસ્ટ ટ્રેક'કરવામાં આવી. તેમણે કહ્યું જો કેસોમાં વધારો થતો હોય તો આપણને રસીના મોટા ડોઝની જરૂર પડશે અને ત્યારે આપણે ભારત બાયોટેક રસીનો ઉપયોગ કરી શકીએ છીએ. ભારત બાયોટેક રસી બેક-અપ માટે છે. તેમણે કહ્યું કે સલામતી અને અસરકારકતાના સંદર્ભમાં કોઈ પણ કિલનિકલ ટ્રાયલ ઝડપી કરાયો નથી. નિયામકની મંજૂરી મેળવવામાં ફાસ્ટ ટ્રેક કરાયું છે. જેમાં એક તબક્કાથી બીજા તબક્કા સુધી જવામાં સામાન્ય રીતે વધુ સમય લાગે છે.

(11:29 am IST)