Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ડોકટર અઢળક દુવાઓ કમાયા

૨૦૦ કેન્સર પેશન્ટસનું ૪.૭૫ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યુ આ ડોકટરે

ન્યુયોર્ક, તા.૫: અમેરિકાના અને પાકિસ્તાની મૂળના ડોકટર ઓમાર અતિકે લગભગ ૨૦૦ જેટલા કેન્સરના પેશન્ટ્સનું ૬.૫૦ લાખ ડોલરનું દેવું માફ કરીને મબલક દુવાઓ કમાયા છે. પોતાના અનેક પેશન્ટ્સ સારવારના ખર્ચને કારણે લાંબા સમયથી ચડેલી દેવાની રકમ ચૂકવવા સક્ષમ ન હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે આ તમામ પેશન્ટ્સનું બિલ માફ કરવાનો નિર્ણય લીધો હતો. પેશન્ટ પ્રત્યે ડોકટરે દાખવેલી ઉદારતા અને માનવીય લાગણીને નેટિઝન્સે ખૂબ વખાણી છે.

ડોકટર અતીક બિલિંગ કંપની સાથે કામ કરી રહ્યા હતા એ સમયે તેમને એક સમયના પોતાના પેશન્ટની બાકી નીકળતી રકમ વિશે જાણ થઈ હતી. સારવારના ખર્ચની રકમ મેળવવાની પ્રોસેસ શરૂ થતાં તેમને ખબર પડી કે મોટા ભાગના પેશન્ટ્સ દેવામાં ડૂબી ગયા છે. એ જોઈને તેમણે તમામ પેશન્ટ્સની સારવારના ખર્ચ પેટે ચૂકવવાની નીકળતી રકમ માફ કરવાનો નિર્ણય લીધો હતો. દેવાની રકમ માફ કર્યા બાદ તેમણે પ્રત્યેક પેશન્ટને ક્રિસમસનું કાર્ડ પાઠવ્યું હતું.

કાર્ડમાં જણાવાયું હતું કે ૨૯ વર્ષ સુધી કેન્સર પેશન્ટ્સ માટે સમર્પિત રહીને સેવા આપ્યા બાદ ડોકટરે તેમનું પાઇન બ્લફ સ્થિત અરકાન્સાસ કેન્સર કિલનિક બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેના પગલે તેમના જે પેશન્ટ્સનું મેડિકલ બિલ ચૂકવવાનું બાકી નીકળે છે તેમનું બિલ માફ કરવાનો નિર્ણય લીધો છે.

ડોકટરનું કહેવું છે કે મારા પેશન્ટ્સની સારવાર કરતી વેળાએ અનેક વાર મેં તેમને પોતાના સ્વાસ્થ્ય સાથે સારવારની ખર્ચની ચિંતા કરતા જોયા છે. આવા લોકોને રાહત મળે એ હેતુથી મેં અને મારી પત્નીએ દેવું માફ કરવાનો નિર્ણય લીધો હતો.

(11:28 am IST)