Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જાણો સ્નાન પર્વોનું મહત્વ

આ વખતે મકરસંક્રાંતિ પર બને છે પંચગ્રહી યોગ

પ્રયાગરાજ, તા. ૫ :. માઘ મેળાને હિન્દુ ધર્મમાં બહુ ખાસ મહત્વ અપાય છે ત્યારે સંગમની રેતી પર વિશ્વ પ્રસિદ્ધ માઘ મેળો આ વખતે ૧૪ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થશે. વિશ્વના આ સૌથી મોટા મેળાની તૈયારીઓ વ્યાપક સ્તરે શરૂ થઈ ચુકી છે.

મહામારીના આ સમયમાં કેટલાય પડકારો વચ્ચે આવી રહેલ માઘ મેળો એક નવી આશા અને ઉજાસનું કિરણ લઈને આવી રહ્યો છે કેમ કે આ વખતે માઘ મેળાના સ્નાન પર્વો પર ગુરૂ બૃહસ્પતિનો દુર્લભયોગ બની રહ્યો છે. ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિથી શરૂ થઈ રહેલ માઘ મેળાના છ સ્નાન પર્વમાંથી ચાર સ્નાન પર્વ ગુરૂવારે જ આવી રહ્યા છે. ગ્રહોના ગોચર અનુસાર, ગુરૂ મહામારી અને અનિષ્ટ શકિતઓને નષ્ટ કરવા સક્ષમ છે. માઘ મેળાનું પહેલુ સ્નાન પર્વ ૧૪ જાન્યુઆરી ગુરૂવારે મકરસંક્રાંતિથી શરૂ થશે. તેમાં ૨૮ જાન્યુઆરીએ પોષી પૂનમ, ૧૧ ફેબ્રુઆરીએ મૌની અમાસ અને ૧૧ માર્ચે મહાશિવરાત્રીનું સ્નાન પર્વ ગુરૂવારે આવે છે. તેમા ૧૬ ફેબ્રુઆરીએ વસંત પંચમીએ મંગળવાર અને ૨૭ ફેબ્રુઆરીએ માઘી પૂનમ શનિવારે આવશે. જ્યોતિષ અનુસાર, શાસ્ત્રોમાં ગુરૂવાર ધર્મ કર્મ, પૌષ્ટિક કર્મ, યજ્ઞ, વિદ્યા, વસ્ત્ર, યાત્રા અને ઔષધિને બળ પ્રદાન કરે છે. મકરસંક્રાંતિ અને મૌની અમાસ બન્ને સ્નાન પર્વ પર ગુરૂ પૂણ્યયોગ અને શ્રવણ નક્ષત્રનો યોગ છે. શ્રવણ નક્ષત્રના સ્વામી ભગવાન શ્રી વિષ્ણુ છે.

ગુરૂ બૃહસ્પતિ ચાર મહત્વના સ્નાન પર્વો પર દ્વાદશ માધવના સાનિધ્યમાં શુભતા પ્રદાન કરશે. સાથે જ પોતાના પ્રભાવથી વિશ્વમાં વ્યાપ્ત કોરોના વાયરસને નિયંત્રિત કરશે. જ્યોતિષ અનુસાર ગુરૂ સૌમ્ય, શકિતશાળી અને શુભકારક છે. સંક્રાંતિના સમયે સૂર્ય સહિત ચંદ્ર, બુધ, ગુરૂ અને શનિનો પાંચ ગ્રહી યોગ બની રહ્યો છે. સંક્રાંતિનો પૂણ્યકાળ બપોરે ૧.૫૦થી સૂર્યાસ્ત સુધી રહેશે.

(11:27 am IST)