Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ટૂંક સમયમાં કોરોના સામેનો જંગ જીતશે ભારત

આવતા સપ્તાહથી શરૂ થશે મહારસીકરણ

દેશભરમાં રસીકરણ માટેની તૈયારી પૂર્ણઃ આવતા ૬ થી ૮ મહિનામાં ૩૦ કરોડ લોકોને લાગી જશે વેકસીન

નવી દિલ્હી, તા. ૫ :. દેશભરમાં આવતા સપ્તાહથી કોરોનાની વેકસીન લગાડવાનું કાર્ય શરૂ થઈ શકે છે. અત્રે એ નોંધનીય છે કે રવિવારે સરકારે કોરોનાની બે વેકસીન કોવિશિલ્ડ અને કોવૈકસીનના ઈમરજન્સી ઉપયોગને મંજુરી આપી હતી. સૂત્રોના કહેવા મુજબ વેકસીન લગાડવાની તમામ તૈયારી પુરી થઈ ગઈ છે.

ભારતમાં કોરોના વાયરસની બે રસીને રેગ્યુલેટરી બોડી તરફથી મંજુરી મળ્યા પછી હવે રસીકરણ અભિયાનની દિશામાં સરકાર ઝડપી પગલાઓ લઈ રહી છે. સોમવારે ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે કેન્દ્ર સરકારે કોરોના રસીની ખરીદીની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે અને રસીકરણ અભિયાન તબક્કાવાર રીતે આવતા સપ્તાહના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ સોમવારે આ વાત તરફ ઈશારો કરી દીધો હતો. તેમણે કહ્યું કે દેશમાં કોરોના વાયરસને કાબુમાં લેવા માટે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થવાનુ છે.

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા (ડીસીજીઆઈ)એ રવિવારે જાહેર કર્યુ હતુ કે તેણે ભારતમાં સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા વિકસીત ઓકસફોર્ડ યુનિવર્સિટી - એસ્ટ્રેજેનેકાની રસી કોવીશિલ્ડ અને ભારતીય કંપની ભારત બાયોટેકની કોવેકસીનને આપાત ઉપયોગની મંજુરી આપી દીધી છે.

આ બાબતોથી માહિતગાર એક સરકારી અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યુ કે હવે જ્યારે રસીને મંજુરી મળી ગઈ છે ત્યારે આગામી પગલુ રસીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવાનું છે. કેન્દ્રની નજર હવે સંબંધિત કંપનીઓ સાથે ખરીદીના સોદા પર છે. ભારતમાં પહેલા તબક્કામાં લગભગ ૩ કરોડ લોકોને રસી આપવાની શકયતા છે. એટલે એવી આશા વ્યકત કરાઈ રહી છે કે લગભગ ૫ થી ૬ કરોડ ડોઝની ખરીદી કરવામાં આવશે.

અધિકારીએ આગળ કહ્યુ કે કાગળની કાર્યવાહીમાં થોડા સમય લાગી શકે છે પણ જેમ બને તેમ જલ્દી સહી સિક્કા કરવાની વ્યવસ્થા કરાઈ રહી છે. જેથી રસીકરણ અભિયાન તાત્કાલિક શરૂ કરી શકાય. તો સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે તેમની કંપનીએ પહેલા ૧૦ કરોડ ડોઝ માટે ભારત સરકારને ૨૦૦ રૂપિયાની ખાસ કિંમત ઓફર કરી છે. અધિકારી અનુસાર સરકાર આ કિંમતે પહેલા બેચના ડોઝની ખરીદી કરશે. રસીની ખરીદી માટે કંપનીઓ સાથે જેવા સહી સિક્કા થશે એટલે રસી ખરીદી લેવાશે અને કેન્દ્ર દ્વારા બનાવાયેલ ૩૧ મુખ્ય કેન્દ્રો પર તે સપ્લાય કરી દેવાશે. જણાવી દઈએ કે સરકારે દેશભરના વિભીન્ન ક્ષેત્રોમાં આવા કેન્દ્રો બનાવ્યા છે.

(11:18 am IST)