Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

'રસી લીધા બાદ ફરીથી કોરોના થશે તો શરીરમાં માત્ર હળવા લક્ષણો દેખાશે'

નવી દિલ્હી, તા.૫: ફરીથી કોવિડ-૧૯ થવાની શકયતા ઓછી હોવા છતાં, જો રસીની ત્રુટિથી ઈમ્યુનિટી બાદ તાજો ચેપ લાગ્યો હોય તો, કોવિડ-૧૯ સામેના રસીકરણથી લોકોને ગંભીર લક્ષણોથી બચાવવાની શકયતા છે, તેમ AIIMSના ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું.

ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે, રસીકરણ કરાયેલા લોકોમાં રોગપ્રતિકારક ક્ષમતા કેટલી લાંબી ચાલે છે, તેનું મૂલ્યાંકન કરવા માટે લાંબા ગાળાના અભ્યાસની જરૂર પડશે. પરંતુ, ફરીથી સંક્રમણ લાગવાના કેસમાં તે હળવા હોવાની શકયતા વધારે છે. ડોકટરોના કહેવા પ્રમાણે, હાલની રસીથી રોગપ્રતિકારક ક્ષમતા ૯થી ૧૨ મહિના સુધી ટકી શકે છે. જો કે, આ હાલની જનરેશનની રસીઓ હોવાથી, કોવિડ રસીઓની અસરકારકતા અને રોગપ્રતિકારક શકિત બંને ભવિષ્યમાં સુધરે તેવી શકયતા છે.

'જો કોઈ કોવિડ-૧૯થી રિકવર થયું છે, તો તે પણ રસીકરણનો લાભ ઉઠાવી શકે છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં પુરાવા છે કે, તેમનામાં સંક્રમણ એટલું વધારે હતું કે રોગપ્રતિકારક પ્રતિક્રિયા ખતમ થઈ ગઈ હતી અને તેથી વાયરસ પ્રત્યેની રોગપ્રતિકારક મેમરી અસરકારક રીતે બની નહીં. ઉપરાંત, જો તમને ખૂબ હળવો ચેપ લાગ્યો હતો, તો તમારી રોગપ્રતિકારક શકિત લાંબા સમય સુધી સુરક્ષા આપવા માટે જરૂરી સ્તર પર ન પહોંચી શકે. તેથી રસી ગંભીર અથવા હળવી બીમારીને ધ્યાનમાં લીધા વગર મદદ કરી શકે છે', તેમ સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું.

ડ્રગ રેગ્યુલેટરે રવિવારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્પાદિત ઓકસફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિડશિલ્ડ અને SARS-CoV2 ઈન્ફેકશન સામેની ભારત બાયોટિકની કોવેકિસનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. સરકાર હવે જુલાઈના પહેલા તબક્કામાં ૩૦ કરોડની પ્રાથમિકતાવાળી વસ્તીને રસી આપવા માટે ટૂંક સમયમાં મેગા રસીકરણ અભિયાન શરૂ કરશે તેવી શકયતા છે.

(10:14 am IST)