Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

અમેરિકામાં કોરોનાનું તાંડવ

એક દિવસમાં ૧ લાખ ૬૨ હજાર નવા કેસથી હાહાકાર

વોશિંગ્ટન તા. ૫ : વૈશ્વિક મહામારી કોરોના સામે ગંભીર રીતે લડી રહેલા અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં એક લાખથી વધારે નવા કેસો જાહેર થવાની સાથે જ દેશમાં સંક્રમિતોનો આંકડો વધીને ૨,૦૭,૮૬૦૦૧ થઇ ગયો છે અને સંક્રમણથી અત્યાર સુધીમાં ૩.૫૩ લાખથી વધારે લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮૧ કોરોના રોગીઓના મોત થતા મૃતકોની સંખ્યા વધીને ૩,૫૩,૧૩૧ થઇ ગઇ છે.

અમેરિકાના ન્યૂયોર્ક, ટેકસાસ અને કેલિફોર્નિયા પ્રાંત કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત છે. એકલા ન્યુયોર્કમાં જ કોરોના સંક્રમણના કારણે ૩૮,૫૯૯ લોકોના મોત થયા છે. ટેકસાસમાં અત્યાર સુધીમાં ૨૮૫૫૧ લોકોના મોત આ મહામારીના કારણે થયા છે. તો કેલિફોર્નિયામાં ૨૬૬૬૫ લોકોના મોત થઇ ચૂકયા છે, જ્યારે ફલોરીડામાં કોવિડ-૧૯થી ૨૨૦૯૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ ઉપરાંત ન્યુજર્સીમાં ૧૯૨૨૫, ઇલિનોઇસમાં ૧૮૪૧૨, મિશીગનમાં ૧૩૩૯૧, મેસાચ્યુએટસમાં ૧૨૬૧૦ અને પેન્સિલવેનીયામાં કોરોનાથી ૧૬૩૩૫ લોકોના મોત થયા છે. અમેરિકાના કેલિફોર્નિયા, કોલોરાડો અને ફલોરિડા પ્રાંતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની પણ પુષ્ટિ કરાઇ છે. કોરોનાનો આ નવો સ્ટ્રેન ૭૦ ટકા વધુ સંક્રામક છે. ઉલ્લેખનિય છે કે દેશમાં ફાઇઝર અને મોડર્નાની કોરોના રસીને મંજુરી મળ્યા પછી રસીકરણનું અભિયાન પણ મોટા પાયે શરૂ થઇ ચૂકયું છે.

(10:14 am IST)