Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ અને કેરળમાં બર્ડ ફલુની પુષ્ટિથી ફફડાટ

નવી દિલ્હી ,તા. ૫: દેશમાં એક તરફ કોરોના વાઇરસને હરાવવા માટે આકાશ-પાતાળ એક કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ હવે બર્ડ ફ્લૂ ફેલાયાની ઘટનાથી અનેક રાજયોમાં ફફડાટ પેઠો છે. છેલ્લા એક અઠવાડિયાથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ, કેરળ, તમિલનાડુ અને ઝારખંડમાં મૃત પક્ષીઓ મળી આવતાં બર્ડ ફ્લૂ ફેલાયાની આશંકા હતી. સોમવારે રાજસ્થાન, હિમાચલ, મધ્યપ્રદેશ અને કેરળમાં હજારો પક્ષીઓ ખાસ કરીને કાગડા મૃત્યુ પામવા પાછળ બર્ડ ફ્લૂ હોવાની પુષ્ટી થઈ છે. આ તમામ રાજયોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ તામિલનાડુ અને ઝારખંડમાં પણ પક્ષીઓમાં લક્ષણો જોવા મળતાં સરકારે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે તમામ રાજયોમાં આવી ઘટનાઓ ચકાસવી અને તાકીદે કેન્દ્રને રિપોર્ટ કરવા આદેશ જારી કર્યા છે.

તામિલનાડુ અને ઝારખંડમાં પણ પ્રાણી સંગ્રહાલય અને તેની આસપાસના વિસ્તારોમાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. બંને રાજય સરકારો દ્વારા પ્રાણી સંગ્રહાલયોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હજી બર્ડ ફ્લૂના કન્ફર્મ કેસ આવ્યા નથી પણ દવા છાંટવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

હિમાચલપ્રદેશ

સ્થિતિ :કાંગરાના પોંગ ડેમ લેકમાં ૧૭૦૦ માઈગ્રેટરી બર્ડ હેડેડ ગીસ સહિત સ્થાનિક પક્ષી મૃત મળી આવ્યાં હતાં. બર્ડ ફ્લૂની પુષ્ટિ.

પગલાં :સરકાર દ્વારા હાઇ એલર્ટ જારી. શંકાસ્પદ કેસ શોધવાના આદેશ અપાયા છે. ચિકન અને ઈંડાંનાં વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ૧ કિલોમીટરના વિસ્તારમાં પર્યટકો પર પ્રતિબંધ.

મધ્યપ્રદેશ 

સ્થિતિ : મધ્યપ્રદેશમાં મંદસૌરમાં ૧૭૦ કાગડાનાં મોત થયાં હતાં. ત્યારબાદ ઈન્દૌરમાં ૧૫૦ કાગડાનાં મોત થયાં હતાં.

પગલાં : રાજય સરકાર દ્વારા સંબંધિત વિભાગોને એલર્ટ કરી દેવાયાં છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે કાગડામાં બર્ડ ફ્લૂનાં લક્ષણો છે પણ તે પક્ષીઓ સુધી જ સીમિત છે. માણસોમાં આ બીમારી ફેલાઈ શકે તેવા સંકેત હજી દેખાયા નથી.

કેરળ 

સ્થિતિ : રાજયના અલાપુઝા અને કોટ્ટયમ જિલ્લામાં સ્થાનિક પક્ષીઓમાં અને માઈગ્રેટરી બર્ડમાં મોટાપાયે સંક્રમણ જોવા મળ્યું હતું.

પગલાં : સરકાર દ્વારા ૫૦ હજારથી વધુ પક્ષીઓને મારવાના આદેશ અપાયા છે. જયાં જયાં સંક્રમણ દેખાયું છે તેના એક કિ.મીના વિસ્તારમાં તમામ શંકાસ્પદ પક્ષીઓને મારવાના આદેશ અપાયા છે.

રાજસ્થાન

સ્થિતિ : રાજસ્થાનના ઝાલાવારમાં સૌથી વધુ ૧૦૦ કાગડાનાં મોત થયાં હતાં. ત્યારબાદ અનુક્રમે કોટા, બાંરા, પાલી અને જયપુરમાં ૪૭, ૭૨ અને ૭ કાગડાનાં મોત થયાં હતાં. આ કાગડાનાં મોત બર્ડ ફ્લૂથી થયાની પુષ્ટિ થઇ છે. હાઇ એલર્ટ જારી.

(9:26 am IST)