Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

QRMP હેઠળ વેપારીઓએ દર મહિને GSTR ૧ ભરવાના નિયમથી કચવાટ

દર મહિને ૩૫ ટકા અથવા ગણતરી કરીને ટેકસ ભરવો પડશેઃ રોકડની અછત વચ્ચે નાના વેપારીઓનાં વધુ નાણાં ટેકસ પેટે જમા રહેશે

મુંબઇ,તા. ૫: કવાર્ટરલી રિટર્ન મંથલી પેમેન્ટ (QRMP) હેઠળ નાના વેપારીઓએ રિટર્ન તો દર ત્રણ મહિને ભરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ ઇનવોઇસ ફર્નિશિંગ ફેસિલિટી માટે જીએસટીઆર ૧ દર મહિને ફરજિયાત ભરવાના નિયમથી નાના વેપારીઓમાં કચવાટ પેદા થયો છે. કારણ કે નાના વેપારીઓની રોકડ વધુમાં વધુ ટેકસ પેટે જીએસટીમાં જમા થશે. તેમજ નાના વેપારીઓએ વેપારમાં નાણા રોકવાના બદલે હવે ટેકસ પેટે જમા કરાવવાની નોબત આવવાની છે.

નાના વેપારીઓને રિટર્ન ભરવાની ઝંઝટમાંથી છુટકારો મળે તેવા આશયથી કયુઆરએમપી લાવવામાં આવી છે. જો કે તેના કારણે નાના વેપારીઓને છેતરાયાનો અનુભવ વધુ થઇ રહ્યો છે. કારણ કે વેપારીએ રિટર્ન તો દર ત્રણ મહિને ભરવાની છુટ આપવામાં આવી છે.  જ્યારે દર મહિને જીએસટીઆર ૧ અને ટેકસ પેટે ૩૫ ટકા રકમ જમા કરાવવા જણાવવામાં આવ્યું છે. જેથી વેપારી દર મહિને ક્રેડિટની બાદબાકી કર્યા વિના જ દર મહિને ટેકસ પેટે રોકડા ૩૫ ટકા ભરવા પડશે. જ્યારે બીજા મહિને ૩૫ ટકા ભરવાના છે. આને કારણે વેપારીઓને ક્રેડિટ વિના જ ૭૦ ટકા રકમ  ભરવાની સ્થિતી આવીને ઉભી છે. જેથી વેપારીએ વેપારમાં નાણા રોકવાના બદલે ટેકસ જમા કરાવવા માટે નાણાં રોકવા પડે તેવી નોબતને કારણે વેપાર પર અસર થવાની શકયતા રહેલી છે. આજ કારણોસર વેપારીઓ છેતરાયાનો અનુભવ કરી રહ્યા છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા નાના વેપારીઓને રિટર્ન ભરવાની પળોજણમાંથી મુકિત આપવાના બદલે તેઓની સમસ્યાના વધારો કરી દેતો નિર્ણય કર્યો છે.

રિટર્ન -ટેકસ એક સાથે ભરાય તેવી વ્યવસ્થા કરો

નાના વેપારીઓને દર મહિને રિટર્ન ભરવામાંથી મુકિત આપવાનો નિર્ણય સારો જ છે. પરંતુ તેમાં વધુ સુધારા કરવાની જરૂરિયાત છે. કારણ કે જો રિટર્ન દર ત્રણ મહિને ભરવામાં આવે તો તે જ પ્રમાણે વેપારીઓના ટેકસના નાણાંની પણ વસુલાત દર મહિને જ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઇએ

-પ્રશાંત શાહ (ટેકસ કન્સલ્ટન્ટ)

(9:25 am IST)