Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

યુએનના સ્થાપક સભ્ય બ્રિટિશ ડિપ્લોમેટ બ્રાયન ઉર્કુટનું અમેરિકામાં ૧૦૧ વર્ષની વયે નિધન

૧૯૮૫ સુધી યુએનમાં સક્રિય હતા: બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ વેળાએ બ્રિટિશ લશ્કરમાં જોડાયા હતા

બ્રિટિશ ડિપ્લોમેટ અને સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્થાપક સભ્યો પૈકીની એક એવા બ્રાયન ઉર્કુટનું ૧૦૧ વર્ષની વયે નિધન થયું હતું. બ્રાયન યુએનના અંડર સેક્રેટરી રહી ચૂક્યા હતા અને ૧૯૮૫ સુધી યુએનમાં સક્રિય હતા. તેમનો જન્મ બ્રિટનમાં ૧૯૧૯માં થયો હતો.
બ્રાયન ઉર્કુટનો જન્મ ૨૮મી ફેબુ્રઆરી-૧૯૧૯માં બ્રિટનના બ્રિડપોર્ટમાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો ત્યારે ૨૦ વર્ષના બ્રાયન બ્રિટિશ લશ્કરમાં જોડાયા હતા. ૧૯૪૫ સુધી બ્રિટિશ આર્મીમાં સક્રિય રહ્યા હતા અને મેજર રેન્ક સાથે તેમણે સેવાનિવૃત્તિ મેળવી હતી. એ વખતે જ બ્રિટિશ સરકારે તેમને યુએનની સ્થાપનામાં સક્રિય કર્યા હતા.
૧૯૪૫થી તેઓ યુએનમાં સક્રિય થયા હતા અને સ્થાપક સભ્ય પૈકીના એક હતા. તેમનું કામ શાંતિ જાળવી રાખવા યુએને કેવી રીતે કામ કરવું જોઈએ તે નીતિ બનાવવાનું હતું. યુએન આજે જે વૈશ્વિક નીતિને અનુસરે છે તે ઘડવામાં બ્રાયન ઉર્કુટની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી. યુએનના પ્રથમ સેક્રેટરી જનરલ ટ્રાયગ્વે લાઈના ખૂબ જ નજીકના અને વિશ્વાસુ સાથીદાર તરીકે તેમણે કામ કર્યું હતું.૧૯૪૫થી ૧૯૫૨ સુધી તેઓ યુએનના એડમિનિસ્ટ્રેટિવ અને લોજિસ્ટિક બાબતોના વડા તરીકે કામ કરતા હતા.
૧૯૭૧થી ૧૯૮૫ સુધીના ૧૪ વર્ષના સમયગાળા દરમિયાન બ્રાયન યુએનના સ્પેશિયલ પોલિટિકલ અફેર્સના અંડર સેક્રેટરી તરીકે કાર્યરત હતા. એ પહેલાં યુએનની સ્થાપના વખતે યુએનના પ્રતિનિધિ તરીકે તેમણે અલગ અલગ દેશોમાં જઈને ભૂમિકા ભજવી હતી.
છેલ્લાં વર્ષોમાં તેઓ અમેરિકામાં જ રહેતા હતા. ૧૦૧ વર્ષની વયે અમેરિકાના માસાચ્યુસેટ્સમાં તેમનું નિધન થયું હતું.

(12:00 am IST)