Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

માલ્યા ફરાર આર્થિક અપરાધી જાહેર : સંપત્તિ જપ્ત કરી શકાશે

ઈડીની અરજીના આધાર ઉપર મુંબઈ કોર્ટનો મહત્વનો ચુકાદો : નવા કાનૂનની જોગવાઈ હેઠળ ફરાર આર્થિક અપરાધી જાહેર થનારા માલ્યા પ્રથમ કારોબારી : સંપત્તિ જપ્ત કરવા મામલે પાંચમી ફેબ્રુઆરીએ સુનાવણી

નવી દિલ્હી, તા. ૫ : મુંબઈમાં ખાસ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી પર શરાબ કારોબારી વિજય માલ્યાને આજે ફરાર આર્થિક અપરાધી તરીકે અથવા તો એફઈઓ તરીકે જાહેર કરતા તેમના પર સકંજો વધુ મજબૂત થયો છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં અસ્તિત્વમાં આવેલા નવા ફગીટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટની જોગવાઈ હેઠળ વિજય માલ્યા એા પ્રથમ કારોબારી છે જેમને ફરાર આર્થિક અપરાધી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સ્પેશિયલ જજ એમએસ આઝમીએ એક્ટની કલમ ૧૨ હેઠળ માલ્યાને એફઈઓ તરીકે જાહેર કર્યા હતા. માલ્યાના વકીલ તરફથી વ્યાપક રજુઆતો સાંભળ્યા બાદ તથા ઈડીના વકીલની રજુઆત સાંભળ્યા બાદ મુંબઈની ખાસ અદાલતે આ મુજબનો આદેશ આજે જારી કર્યો હતો. ગયા મહિનામાં કોર્ટે તેમને ફરાર અપરાધી જાહેર કરવાની ઈડીની અરજીની સુનાવણી પર મનાઈ હુકમની માંગ કરતી માલ્યાની અરજીને ફગાવી દીધી હતી. અહેવાલમાં જણાવાયું છે કે હાલના તબક્કે આ પ્રકારનો નિર્ણય ખૂબજ મહત્વપૂર્ણ છે. નવા કાયદા હેઠળ ખાસ અદાલતોને કોઈ વ્યક્તિને આર્થિક અપરાધી તરીકે જાહેર કરવાના અધિકાર રહેલા છે. વિજય માલ્યા બ્રિટનમાં પણ મની લોન્ડરીંગના આરોપોનો સામનો કરી રહ્યા છે. ભારતે તેમની સામે પ્રત્યાર્પણની કામગીરી હાથ ધરી છે. તેમની સામે લોન ડિફોલ્ટ બદલ અનેક કેસો ઈડી અને સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવી ચુક્યા છે. માલ્યાની મુશ્કેલી વધુ વધવાના સંકેત પણ છે. કારણ કે હવે સરકાર તેમની સંપત્તિને પણ જપ્ત કરી શકશે. આર્થિક ફરાર અપરાધી ઘોષિત થયા બાદ સરકારને સંપત્તિ જપ્ત કરવાના અધિકાર મળી ગયા છે. માલ્યાની સંપત્તિ જપ્ત કરવાને લઈને પીએમએલએ કોર્ટ દ્વારા પાંચમી ફેબ્રુઆરીના દિવસે સુનાવણી હાથ ધરાશે. પીએમએલએ કોર્ટે વિજય માલ્યાની અપીલ માટે થોડોક વધુ સમય આપવાની માંગને પણ ફગાવી દીધી છે. માલ્યાના પ્રત્યાર્પણને બ્રિટન સરકારે લીલીઝંડી આપી દીધી છે. આર્થિક ફરાર અપરાધીનો મતલબ એ છે કે તેમની સંપત્તિ તરત જપ્ત કરી શકાશે. આર્થિક અપરાધી એ હોય છે જેમની સામે યાદીબદ્ધ રીતે અપરાધ માટે ધરપકડ વોરંટ જારી કરવામાં આવે છે. આવી વ્યક્તિ ભારત છોડે તો વિદેશમાં પણ કાર્યવાહી કરવામાં આવે છે.

 માલ્યાની તકલીફમાં વધારો થવા માટે અન્ય પરીબળો પણ છે. માલ્યાના પ્રત્યાર્પણનો મામલો કોર્ટના ચુકાદા બાદ બ્રિટનમાં વિદેશ મંત્રી સુધી પહોંચી ગયો છે. શુક્રવારના દિવસે જ સંસદમાં માહિતી આપવામાં આવી હતી કે ૨૭ ડિફોલ્ટીંગ કારોબારી અને આર્થિક અપરાધીઓ દેશમાંથી ફરાર થઈ ચુક્યા છે.

 

(8:01 pm IST)