Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

વડાપ્રધાન મોદી રાજકોટથી ચૂંટણીમાં ઝંપલાવશે ?

નરેન્દ્રભાઇ કારકીર્દિની પહેલી ચૂંટણી જયાંથી લડેલા ત્યાં જ ફરી રાજકીય ધડાકો કરે તેવી સંભાવના : ખાનગી રાહે શકયતા તપાસાતી હોવાની ચર્ચા : ગુજરાતવ્યાપી રાજકીય હવામાન ભાજપ તરફી કરવાનો ઇલાજઃ રાજકોટને એક પછી એક ભેટ સૂચક

રાજકોટ તા. પ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી લોકસભાની ચૂંટણી રાજકોટ બેઠક પરથી લડે તેવી સંભાવના  આકાર લઇ રહી છે. રાજકોટને એઇમ્સ જેવી મોટી ભેટ સહિતની બાબતો વડાપ્રધાનની રાજકોટમાંથી ઉમેદવારી બાબતની અટકળને બળ આપે છે તેઓ ગુજરાતના વતની હોવાથી ગુજરાતની એક બેઠક પરથી અને અન્ય રાજયની એક બેઠક પરથી ચુંટણી લડે તેવી સ્વભાવિક માન્યતા છે ર૦૧૪માં યુપીની વારાણસી અને ગુજરાતની વડોદરા બેઠક પરથી ચૂંટણી લડેલા જેમાં વડોદરા પરથી રાજીનામું આપ્યું હતું. હાલ વારાણસી અને પુરી (ઓરીસ્સા) બેઠક માટે તેમનું નામ ગાજી રહ્યું છે ગુજરાતમા રાજકોટ બેઠક પરથી લડવાનું વિચારે તેવા સાનુકુળ સંજોગો છ.ે

શ્રી નરેન્દ્રભાઇ મોદી કારકીર્દિની પ્રથમ ચૂંટણી ફેબ્રુઆરી ર૦૦રમાં રાજકોટ પશ્ચિમ ધારાસભા બેઠક પરથી લડીને વિજેતા થયેલા તેમની કારકિર્દિમાં રાજકોટ મહત્વનું હોવાનું તેઓ જાહેરમાં પણ બોલી ચૂકયા છે. રાજકોટ બેઠક પર ભાજપે પરંપરાગત રીતે છેલ્લી ૮ ટર્મથી પાટીદારને જ ટીકીટ આપી છે. જેમાં શિવલાલભાઇ વેકરીયા, વલ્લભભાઇ કથીરિયા, કિરણ પટેલ, મોહનભાઇ કુંડારિયા વગરેેનો સમાવેશ થાય છે. જો વડાપ્રધાન ચૂંટણી લડવા આવે તો જ્ઞાતિના સમીકરણનો મુદ્દો ગૌણ બની જાય તેમ છ.ે ર૦૧૭ ની  ધારાસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને ફટકો લાગેલો. શ્રી મોદી લડવા આવે તો સૌરાષ્ટ્ર-ગુજરાતની તમામ બેઠકો પર પ્રભાવ પાડી શકે.

રાજકોટમાં એઇમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ગાંધી મ્યુઝિયમ વગેરે મોદી સરકારની ભેટ છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ મજબૂત સ્થિતિમાં છે. એકથી વધુ સમીકરણો જોતા જો શ્રી મોદી રાજકોટમાં ચૂંટણી લડે તો સરળતાથી જીતી શકે તેવુંરાજકીય પંડિતોનું માનવુ છે. તેમની રાજકોટથી ઉમેદવારી વિશે સત્તાવાર વર્તુળો મૌન છે પરંતુ આ પ્રકારની ચર્ચાશરૂ થઇ તે સૂચક છે ખાનગી રાહે તૈયારી ચાલતી હોય તો નવાઇ નહી. જો અત્યારે સંભળાતી વાત સાચી પડે તો વડાપ્રધાન રાજકોટથી ચૂંટણી લડે તેવો નવો ઇતિહાસ સર્જાશે.

(5:08 pm IST)