Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

કેરળ : સબરીમાલા વિવાદઃ ભાજપ-CPIMના નેતાઓના ઘર ઉપર બોંબ ફેંકાયા

હિંસાના આરોપસર ૧૭૦૦થી વધુ લોકોની ધરપકડ

કોચી, તા. પ : સબરીમાલાના અયપ્પા મંદિરમાં મહિલાઓના પ્રવેશ બાદ કેરળમાં સતત હિંસક બનાવો ચાલુ છે. ગઇકાલે મોડીરાત્રે સત્તાધારી સીપીઆઇ(એમ) નેતા અને થાપસરી ધારાસભ્ય એ.એન. શમસીર સહિત લેફટના અન્ય નેતાઓના ઘરો ઉપર બોંબ ફેંકાયાના અહેવાલ છે. પોલીસના કહેવા મુજબ રાત્રે લગભગ ૧૦-૧પ કલાકે બાઇક પર બેઠેલા અજાણ્યા લોકોએ કન્નુર જીલ્લાના ચડપી ડીકાયીલમાં શમસીના નિવાસે બોંબ ફેંકયા હતાં.

હુમલા બાદ શમસીરે કહ્યું હતું કે, આ રાજયમાં હિંસા ભડકાવવા સંઘનું ષડયંત્ર છે તે રાજયમાં હિંસા ભડકાવી શાંતિનો ભંગ કરવા માંગે છે.

હુમલા વખતે ધારાસભ્ય ઘરે ન્હોતા. શમસીર ઉપરાંત સીપીએમના પૂર્વ જીલ્લા સચીવ પી. શશીના નિવાસે પણ બોંબ ફે઼કાયો હતો તો સીપીએમ કાર્યકર વિશાક પર કન્નુર જીલ્લાના ઇરિતીમાં હુમલો થયો હતો.

કેરળમાં ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ વિવિધ સ્થળે દેશી બોંબ અને પથ્થરો ફેંકયા હતાં. પોલીસે અત્યાર સુધીમાં ૧૭૧૮ લોકોની ધરપકડ કરી છે અને ૧૧૦૮ કેસ નોંધ્યા છે.

કેરળના કન્નુર જીલ્લામાં ભાજપના સાંસદ વી. મુરલીધરનના ઘર ઉપર દેશી બોંબ ફેંકાયો હતો. ભાજપનો આરોપ છે કે આ હુમલા પાછળ સીપીઆઇ (એમ)નો હાથ છે.

(11:56 am IST)