Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ટ્રેનમાં વ્યંઢળોનો ત્રાસ : ફરિયાદ કોણ કરે ?

મુંબઇ તા. ૫ : અમુક દિવસો પહેલા લાંબા અંતરની ટ્રેનના જનરલ ડબ્બામાં એક વ્યંઢળ દ્વારા કપડા કાઢીને પ્રવાસીઓને મારપીટ કરીને પૈસા લૂંટાયા હોવાની બાબત પર પ્રકાશ પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં મધ્ય રેલવેએ તે પ્રવાસીને વ્યંઢળ વિરુદ્ઘ ફરિયાદ નોંધવાની અપીલ કરી હતી, જેથી આરોપી વિરુદ્ઘ કડક કાર્યવાહી કરી શકાય. અન્ય પ્રવાસીએ આ તમામ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને તપાસ કરતાં ખબર પડી હતી કે ૨૫ વર્ષનો આ વ્યંડળ કલ્યાણના સૂચક નાકા નજીક રહેતો હતો.

આરપીએફ દ્વારા અનેક વાર વિવિધ ગુના હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી, પણ સત્તાવાર રીતે પ્રવાસીઓએ ફરિયાદ નોંધાવી ન હોવાથી અમુક દિવસો બાદ જેલમાંથી છૂટી જતો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન આ વ્યંઢળની છ વાર ધરપકડ કરવામાં આવી હતી. તેના વિરુદ્ઘ કડક પગલાં લેવાય તે માટે આરપીએફના વરિષ્ઠ અધિકારીએ પીડિતોને સત્તાવાર રીતે જીઆરપીમાં ફરિયાદ નોંધાવવા માટે વિનંતી કરી હતી. વાઇરલ થયેલા આ વીડિયોમાં મહિલા અને બાળકો સામે તેણે કપડાં કાઢીને ડરાવી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું, જે શરમજનક છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.(૨૧.૩)

 

(10:30 am IST)