Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સંસદનું બજેટ સત્ર ૨૯મીથી શરૂ :પહેલીએ બજેટ રજૂ થશે

સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારની જાહેરાત : ૨૯મી જાન્યુઆરીએ બંને ગૃહના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ સંબોધશે : ૨૯મીએ જ આર્થિક સર્વે રજૂ કરવાનો નિર્ણય

નવી દિલ્હી,તા. ૫ : સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ આજે ભલામણ કરી હતી કે, સંસદનું બજેટ સત્ર ૨૯મી જાન્યુઆરીથી બોલાવવામાં આવશે. કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરાશે. સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે પત્રકારો સાથે વાતચીત કરતા આજે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯મી જાન્યુઆરીના દિવસે સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધન કરશે. આર્થિક સર્વે એજ દિવસે રજૂ કરવામાં આવશે. સત્રના પ્રથમ તબક્કાનો ગાળો ૨૯મી જાન્યુઆરીથી ૯મી ફેબ્રુઆરી વચ્ચે રહેશે. રિશેષ બાદ સંસદ પાંચમી માર્ચથી છઠ્ઠી એપ્રિલ દરમિયાન ફરી મળશે. આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિ દ્વારા સત્રની તારીખો અંગે આજે ભલામણ કરવામાં આવી હતી. બજેટ સત્રને લઇને હાલમાં ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવી ગયો છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવામાં આવનાર છે. અરુણ જેટલી વર્તમાન સરકારનું અંતિમ બજેટ રજૂ કરશે.

(7:45 pm IST)