Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

દ.આફ્રિકામાં બાળકોમાં કોરોનાના કેસ વધતાં ચિંતા

અગાઉ બાળકોમાં કોરોનાની બહુ અસર થઈ નહતી : ત્રીજી લહેરમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના વધારે બાળકો હોસ્પિટલમાં, ૧૫થી ૧૯ વર્ષના પણ હોસ્પિટલમાં દાખલ

જોહાનિસબર્ગ, તા.૪ : દક્ષિણ આફ્રિકામાં એક્સપર્ટે બાળકોમાં કોરોના વાયરસના વધી રહેલા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. ત્યાં શુક્રવાર રાત સુધી સંક્રમણના ૧૬,૦૫૫ નવા કેસ સામે આવ્યા હતા અને ૨૫ સંક્રમિતોના મોત થયા હતા. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કમ્યુનિકેબલ ડિસીઝના ડૉક્ટરના જણાવ્યા મુજબ, અમે જોયું કે અગાઉ બાળકોમાં કોરોનાની મહામારીની આટલી અસર થઈ નહોતી અને બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ વધારે જરૂર નહોતી ઊભી થઈ.

તેમણે કહ્યું કે, કોરોના વાયરસની ત્રીજી લહેરમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના વધારે બાળકો હોસ્પિટલમાં દાખલ થયા, ૧૫થી ૧૯ વર્ષના કિશોરવયના પણ હોસ્પિટલમાં દાખલ થયા. તેમણે વધુમાં જણાવ્યું કે, હવે કોરોનાની ચોથી લહેરની શરૂઆતમાં તમામ વયના લોકોમાં કેસો વધી રહ્યા છે જ્યારે ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં વિશેષરૂપે કેસો વધ્યા છે. તેમ છતાં કોરોનાના સંક્રમણના કેસો હજુ પણ બાળકોમાં સૌથી ઓછા છે.

આ ડૉક્ટરે એવું પણ જણાવ્યું કે ૬૦ વર્ષથી વધુની ઉંમરના લોકોમાં કોરોનાના સૌથી વધારે કેસ છે અને ત્યારબાદ સૌથી વધારે કેસો ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં છે. ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાના કેસો વધી રહ્યા છે જ્યારે અગાઉ આવું નહોતું. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કમ્યુનિકેબલ ડિસીઝના ડૉક્ટરના જણાવ્યા મુજબ, વધી રહેલા કેસો સંબંધિત તૈયારી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ તેમજ બાળકો માટેના બેડ અને કર્મચારીઓ વધારવા જોઈએ. દક્ષિણ આફ્રિકાના ૯ પ્રાંતમાંથી ૭ પ્રાંતમાં કોરોનાના કેસો અને સંક્રમણ દર વધી રહ્યો છે. જ્યારે સાઉથ કોરિયા પણ કોરોના વાયરસની એક નવી જ લહેરનો સામનો કરી રહ્યું છે.

અહીં નોંધનીય છે કે કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સમગ્ર દુનિયા ટેન્શનમાં છે. આ નવા વેરિયન્ટ ઓમિક્રોનની સૌપ્રથમ ઓળખ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. ઓમિક્રોન કોરોના વાયરસનું સ્વરૂપ આ મામલે ઘણું અલગ છે કારણકે તે અત્યાર સુધીના સાર્સ-કોવ-૨નું સૌથી વધારે બદલાયેલું સ્વરૂપ છે. જેની આનુવંશિક સંરચનામાં કુલ ૫૩ મ્યુટેશન છે અને સ્પાઈક પ્રોટીન પર ૩૨ મ્યુટેશન છે.

સ્પાઈક પ્રોટીન સાર્સ-કોવ-૨ વાયરસની બહાર નીકળેલી ગાંઠ છે જે વાયરસને કોશિકાઓ સાથે ચોંટવામાં મદદ કરે છે કે જેથી તે તેમાં પ્રવેશ કરી શકે. ઓમિક્રોનમાં વધારે મ્યુટેશનનો મતલબ એવો થાય છે કે આ વધારે સંક્રામક છે અથવા પછી પ્રતિરક્ષા સુરક્ષાથી બચવામાં વધારે સારો છે, આ તમામ અનુમાન વધારે ચિંતાજનક છે.

રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે સાર્સ-કોવ-૨ના મૂળ અને શરૂઆતના સ્વરૂપોની સરખામણીમાં ડેલ્ટા સ્વરૂપથી સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાનો વધારે ખતરો રહેલો છે. તો શું ઓમિક્રોન ડેલ્ટાનું સ્થાન લેશે? પરંતુ, હજુ સુધી એવું કહેવું પણ ઉતાવળભર્યું હશે કે ઓમિક્રોન ડેલ્ટાથી વધારે શક્તિશાળી છે. ઓમિક્રોનમાં કેટલાંક મ્યુટેશન ડેલ્ટા સ્વરૂપના છે પણ તેમાં અન્ય સ્વરૂપના પણ મ્યુટેશન છે જે બિલકુલ અલગ છે. પણ, તે વાતની વધારે આશંકાઓ છે કે ઓમિક્રોન સ્વરૂપ સાર્સ-કોવ-૨નું અંતિમ સ્વરૂપ નથી અને તેના વધારે સ્વરૂપ આવવાની આશંકાઓ છે તેમજ કોરોના વાયરસના એવા સ્વરૂપ આવવાની પણ સંભાવના છે કે જે ડેલ્ટાથી પણ વધારે સંક્રામક હોય!

(9:16 pm IST)