Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કોરોના વાયરસનું ખુબ જ ખતરનાક વેરિયન્ટ ગણાતા ''ઓમિક્રોન'' એ ભારત બાદ હવે ગુજરાતમાં દસ્તક દેતા ખળભળાટ

ગુજરાતમાં ''ઓમિક્રોન''ની એન્ટ્રી : જામનગરમાં પ્રથમ કેસ

ઝિમ્બાબ્વેથી પરત આવેલા દર્દીને આવ્યો કોરોના પોઝીટીવ દર્દી આઇસોલેસન વોર્ડમાં : તંત્ર દોડતું થયું

રાજકોટ, તા. ૪ :. સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી રહેલો કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનએ ભારત બાદ હવે ગુજરાતમાં પણ એન્ટ્રી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા દર્દીને કોરોના પોઝીટીવ જાહેર થયો છે અને તેને હાલ આઈસોલેશન વોર્ડમા દાખલ કરવામાં આવેલ છે. ઘાતક ગણાતા આ નવા વેરીયન્ટનો કેસ જામનગરમાં નોંધાતા જ તંત્ર દોડતુ થઈ ગયુ છે.

દેશભરમાં કોરોના વાયરસના નવા વેરીયન્ટને લઈને હાઈએલર્ટ આપવામાં આવ્યુ છે ત્યારે જામનગરથી પહેલો કેસ આવતા ચિંતાની લાગણી ફેલાઈ છે. ઝિમ્બાબ્વેથી આવેલ દર્દીનો રીપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યુ કે આ દર્દી ઓમિક્રોન વેરીયન્ટથી સંક્રમિત છે. આ દર્દીમાં નવો વેરીયન્ટ જોવા મળતા હવે ગુજરાતમાં હવે સતર્કતા રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. અત્રે નોંધનીય છે કે આ દર્દીને અગાઉ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા તેથી સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા હતા. હવે તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આફ્રિકાથી ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા દર્દીના રીપોર્ટ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે.  જામનગરમાં પ્રથમ કેસ નોંધાતા સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયુ છે.

આ દર્દીને સરકારી જી.જી. હોસ્પીટલમાં અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે અને આ દર્દીની ઉંમર ૭૨ વર્ષ હોવાનું જણાય છે. આ દર્દી વાયા દુબઈ થઈને જામનગર પહોંચ્યા હોવાથી તેમની સાથેના લોકોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં હાલ આ વાયરસનો કહેર વધી રહ્યો છે. ૩૮ જેટલા દેશોમાં તે ફેલાયો હોવાનું જણાય છે.

(4:53 pm IST)