Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જો કે હજુ સુધી કોઇના મોત નથી થયાઃ WHO

બે અઠવાડીયામાં ૩૮ દેશોમાં ફેલાયો ઓમીક્રોન

ભારતમાં પણ બે કન્ફર્મ કેસ સાથે ઘણાં શંકાસ્પદ દર્દીઓ

જીનીવા, તા.૪: દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલ કોરોનાનો નવો વેરીયંટ ઓમીક્રોન હવે ધીમે ધીમે વિશ્વના અન્ય દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. શુક્રવારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે કોરોનાનો આ નવો વેરીયંટ ૩૮ દેશોમાં ફેલાઇ ચૂકયો છે. જો કે કોઇનું મોત થયાના સમાચાર નથી. અમેરિકા અને ઓસ્ટ્રેલીયામાં પણ આ વેરીયંટના કેટલાક કેસ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ નવા વેરીયન્ટની ખબર પડયાને બે સપ્તાહ જ થયા છે.

ઓમીક્રોન અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે આ વેરીયંટ કેટલો સંક્રામક છે, શું તે વધારે ગંભીર બીમારીનું કારણ બની શકે છે અને તેની સામે કયા ઉપચાર અને રસી અસરકારક છે તે જાણવામાં અઠવાડીયાઓ લાગી શકે છે. હુ એ ચેતવણી આપી છે કે આ વેરીયંટ આગામી કેટલાક મહિનાઓમાં યુરોપના અર્ધાથી વધારે કોરોના કેસોનું કારણ બની શકે છે.

અમેરિકામાં આ વેરીયંટના બે કેસ નોંધાયા છે તો શુક્રવારે ઓસ્ટ્રેલીયાએ જણાવ્યું છે કે સીડનીમાં ત્રણ વિદ્યાર્થીઓ આ વેરીયન્ટથી સંક્રમિત થયા છે. નોર્વેમાં અધિકારીઓએ કહ્યું કે ગયા અઠવાડીયે ઓસ્લોમાં એક ઓફિસમાં ક્રિસમસ પાર્ટી પછી ઓછામાં ઓછા ૧૩ લોકોમાં આ ઓમીક્રોન વેરીયન્ટ મળ્યો છે. મલેશીયામાં પણ ૧૯ નવેમ્બરે દક્ષિણ આફ્રીકાથી આવેલ એક વિદેશી વિદ્યાર્થીમાં ઓમીક્રોન મળ્યાનું જાહેર થયું છે. તો શ્રીલંકામાં આવેલ એક વિદેશી વિદ્યાર્થીમાં ઓમીક્રોન મળ્યાનું જાહેર થયું છે. તો શ્રીલંકામાં પણ આવો એક કેસ મળ્યો છે. તે વ્યકિત દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યો હતો.

ભારતની વાત કરીએ તો, અહીં ઓમીક્રોનના બે કન્ફર્મ કેસ સહિત ઘણાં શંકાસ્પદ દર્દીઓ છે જેમનો જીનોય સીકવંસીંગ રિપોર્ટ હજુ સુધી નથી આવ્યો. રાજધાની દિલ્હીમાં આવા ૧૨ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. દેશમાં ઘણી જગ્યાઓએ કોરોના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજયોને વધુ સાવચેતી રાખવા કહ્યું છે. સરકારે એમ પણ કહ્યું છે અત્યાર સુધીના અભ્યાસથી જાણવા મળ્યું છે કે ઓમીક્રોન વેરીયન્ટમાં રીઇન્ફેકશનની શકયતાઓ વધારે છે. એટલે લોકોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની અપિલ કરાઇ છે.

(11:13 am IST)