Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સેકસ ચેન્જ કરવાની અનુમતિ મળતા આ કોન્સ્ટેબલ હવે સ્વતંત્ર અનુભવ કરી રહી છે

મહિલા કોન્સ્ટેબલ હવે બની જશે પુરૂષ

ભોપાલ, મધ્યપ્રદેશ,તા. ૪: ગુજરાતના પાડોશી રાજય મધ્યપ્રદેશની એક મહિલા કોન્સ્ટેબલને લિંગ પરિવર્તન માટે સર્જરીની પરવાનગી આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં આ પ્રકારે પહેલો મામલો છે. ૩૦ વર્ષીય કોન્સ્ટેબલે વર્ષ ૨૦૧૯માં લિંગ પરિવર્તન માટેની અરજી કરી હતી. હવે દિલ્હીમાં આવેલી એઈમ્સમાં આ કોન્સ્ટેબલનું લિંગ પરિવર્તનનું ઓપરેશન થશે. મધ્યપ્રદેશમાં પહેલી વખત એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને સરકારે જેન્ડર ચેન્જ કરાવવાની મંજૂરી આપી છે. રાજયના હોમ ડિપાર્ટમેન્ટે બુધવારે આ માટે પરમિશન લેટર પણ ઈશ્યુ કર્યો છે. જેન્ડર ચેન્જ કરાવવાની પ્રોસેસ પૂરી થયા બાદ મહિલાની ઓળખ પુરુષ કોન્સ્ટેબલ તરીકે થશે.

મધ્યપ્રદેશના એડિશનલ ચીફ સેક્રેટરીએ આ વિશે વાત કરતા જણાવ્યું કે બાળપણથી જ આ કોન્સ્ટેબલ જેન્ડર ડિસઓર્ડરથી પીડિત છે. આ માટેની તેની સારવાર પણ થઈ ચૂકી છે. આ કોન્સ્ટેબલની કામ કરવાની પદ્ઘતિ પણ પુરુષો જેવી છે. તેણે સેકસ ચેન્જ કરવા માટે પોલીસ મુખ્યાલયમાં અરજી કરી તો તેને ગૃહ વિભાગ પાસે મોકલવામાં આવી. ગત બુધવારે ગૃહ વિભાગે તેને આ માટેની મંજૂરી આપી દીધી છે.

અનુમતિ મળતા જ ખુશી વ્યકત કરતા કોન્સ્ટેબલે જણાવ્યું કે તે પોતાને પુરુષ જ માને છે. તેની કામ કરવાની પદ્ઘતિ અને આદતો પુરુષ જેવી છે. સેકસ ચેન્જ કરવાની અનુમતિ મળતા આ કોન્સ્ટેબલ હવે સ્વતંત્ર અનુભવ કરી રહી છે. આ કોન્સ્ટેબલે જણાવ્યું કે તે ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે. બાળપણથી જ ગામના લોકો તેને ટોમબોય કહીને બોલાવતા હતા ઘરના લોકોને પણ આ કોન્સ્ટેબલનો પુરુષોની માફક વાતચીત કરવાનો અંદાજ પસંદ હતો, પણ કોન્સ્ટેબલે જયારે સેકસ ચેન્જ કરવાની ચર્ચા કરી તો ઘરવાળાએ વિરોધ કર્યો. કોન્સ્ટેબલના ઘરવાળાને વિશ્વાસ ના થયો કે લિંગ પરિવર્તન સંભવ છે. એક સામાજિક સંસ્થાએ કોન્સ્ટેબલની મદદ કરી અને હવે આ કોન્સ્ટેબલ આઝાદી સાથેનું જીવન જીવી શકશે. 

(9:56 am IST)