Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પાકિસ્તાનમાં શ્રીલંકાના શખ્સને માર મારી ઉતાર્યો મોતને ઘાટઃ લાશને જાહેરમાં સળગાવી

ઈસ્લામનું અપમાન કરવાના આરોપમાં કરવામાં આવ્યો હતો જીવલેણ હુમલોઃ તમાશો જોઈ રહેલાં લોકો બનાવતા રહ્યા વિડીયો, પોલીસે તપાસ હાથ ધરી

ઈસ્લામાબાદ, તા.૪: પાકિસ્તાનના સિયાલકોટમાં ઈસ્લામનું અપમાન કરવાના આરોપમાં કટ્ટરપંથીઓની ભીડે એક શ્રીલંકાના વ્યકિતને માર મારીને મોતને દ્યાટ ઉતારી દીધો. એટલું જ નહીં આ ધર્માંધોએ જાહેરમાં આ શ્રીલંકાના વ્યકતની લાશને આગ પણ લગાવી. ઘટના બાદ વધેલા તણાવને ઓછો કરવા માટે પાકિસ્તાન સરકારે એ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કર્યો છે.

કહેવાય છે કે, આ ઘટના સિયાલકોટના વજીરાબાદ રોડ પર થઈ હતી. મૃતક શ્રીલંકાનો કે જેનું નામ પ્રિયંતા કુમારા હતુ તે સિયાલકોટમાં એક ફેકટરીમાં એકસપોર્ટ મેનેજર હતો. આ વ્યકિત ઉપર કારખાનામાં શ્રમિકોએ હુમલો કર્યો હતો. એ પછી ઉશ્કેરાયેલી ભીડે તેની લાશને જાહેરમાં સળગાવી દીધી હતી. સિયાલકોટના જિલ્લા પોલીસ અધિકારી ઉમર સઈદ મલિકે કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલાં વિડીયોમાં સેંકડોની સખ્યામાં લોકો ફેકટરીની સામે એકત્ર થયેલા અને નારેબાજી કરતા નજરે પડી રહ્યા છે. એક બીજા વિડીયોમાં લોકો શ્રીલંકાના નાગરીકની લાશને લગાવવામાં આવેલી આગને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરતા નજરે પડી રહ્યા છે. પોલીસે હત્યા પાછળનું સંભિવત કારણ હજુ સુધી જણાવ્યું નથી. સિયાલકોટ પોલીસના એક પ્રવકતાએ કહ્યું કે, પ્રાથમિક તપાસ પછી કંઈ નિવેદન આપી શકીશું.

પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુજદારે એક ટ્વિટ કરીને કહ્યું કે, સિયાલકોટની ભયંકર ઘટનાથી તે ખૂબ જ સ્તબ્ધ છે. તેઓએ લખ્યું કે, મેં પોલીસ આઈજીને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટેના આદેશ આપી દીધા છે. કોઈ પણ કાયદો હાથમાં લેવાની મંજુરી નથી. નિશ્યિંત રહો, આ અમાનવીય કૃત્યમાં સામેલ વ્યકિતઓને છોડવામાં આવશે નહીં. બુજદારે આ પહેલાં પોલીસ આઈજી પાસે રિપોર્ટ મંગાવ્યો હતો અને આ મામલે ઉચ્ત સ્તરીયે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, દ્યટનાની દરેક કડીની તપાસ થવી જોઈએ અને એક રિપોર્ટ રજૂ થવો જોઈએ. કાયદો હાથમાં લેનારાઓ વિરૂદ્ઘ સખત કાર્યવાહી થવી જોઈએ. પંજાબના ઈન્સપેકટર ઓફ જનરલ રાવ સરદાર અલી ખાને પણ આ ઘટનાને ધ્યાને લીધી છે અને ગુજરાંવાલા વિસ્તારના પોલીસ અધિકારીઓ તરત ઘટના સ્થળે પહોંચવા આદેશ આપ્યો હતો. આઈજીપીએ કહ્યું કે, સિયાલકોટના ડીપીઓ દ્યટના સ્થળે હાજર છે. ઘટનાની દરેક કડીઓને ધ્યાનમાં રાખીને તપાસ થવી જોઈએ.

૨૦૧૦માં સિયાલકોટમાં આ પ્રકારની એક ઘટનાએ દેશને શરમમાં મૂકી દીધી હતી. જયારે ભીડે પોલીસની જ હાજરીમાં બે ભાઈઓને ડાકૂ જાહેર કરીને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાથી આખા દેશનું માથુ શરમથી ઝૂકી ગયુ હતુ. આવી જધન્ય ઘટનાના ફૂટેજ, વિડીયો-શેરિંગ સાઈટો પર અપલોડ થવાથી લોકોમાં પણ ભારે ડર છે.

(9:54 am IST)